દ્વારકામાં આવતીકાલે અને જામનગર જિલ્લામાં 21મીએ પડી શકે છે વરસાદ.....

ગુજરાતમાં અન્ય સ્થળોએ ભાદરવો વરસી રહ્યો છે અનરાધાર....

દ્વારકામાં આવતીકાલે અને જામનગર જિલ્લામાં 21મીએ પડી શકે છે વરસાદ.....
File image

Mysamachar.in:જામનગર

સમયનાં ઘણાં લાંબા અંતરાલ પછી વધુ એક વખત મેઘરાજાએ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત પર મહેર વરસાવી છે. જો કે કેટલાંક સ્થળોએ આ મહેરને કારણે આકાશમાંથી આફત પણ વરસી છે. જામનગર જિલ્લામાં જો કે એકદમ હળવો વરસાદ છે પરંતુ વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર જોવા મળી રહ્યું હોય હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી જ હતી. અને ભાદરવામાં અનરાધાર વરસાદ વરસી પણ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ફરી જણાવાયું છે કે, આજે 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધીમાં રાજયમાં વિવિધ વિભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જો કે હળવાથી મધ્યમ અથવા ભારે વરસાદની શકયતાઓ સમગ્ર રાજય માટે દર્શાવવામાં આવી છે. આ આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે 19મી સપ્ટેમ્બરના રોજ તથા જામનગર જિલ્લામાં આગામી 21મી સપ્ટેમ્બરના રોજ નોંધપાત્ર વરસાદ વરસી શકે છે.

કાલે રવિવારે મોડી રાત્રે એટલે કે આજે વહેલી સવારે જામનગર જિલ્લાના કાલાવડ (14 મિમી), લાલપુર (7મિમી) અને જામજોધપુર (40 મિમી) માં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગર 13 મિમી, જોડિયા 6 મિમી અને ધ્રોલમાં આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાંક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો પ્રેશર જોવા મળી રહ્યું હોય સૌરાષ્ટ્રમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી શકે છે.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ છે. પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે. સુરેન્દ્રનગર અને અમદાવાદ પંથકમાં યલો એલર્ટ છે. દ્વારકા અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આવતીકાલે મંગળવારે ભારે વરસાદની સંભાવનાઓ છે. જામનગર તથા કચ્છ અને દ્વારકા જિલ્લામાં પણ 21મીએ ભારે વરસાદની શકયતાઓ વ્યક્ત થઈ છે.

હાલમાં રાજયમાં ખાસ કરીને મધ્ય તથા પૂર્વ ગુજરાતમાં ભાદરવા મહિનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પાછલા પચાસ વર્ષમાં પ્રથમ વખત નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કેમ કે મધ્યપ્રદેશમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન એક ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણીમાં 15 મિમી અને લાલપુર તાલુકાના હરીપરમાં 16 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન કાલાવડમાં વધુ 20 મિમી વરસાદ નોંધાયો છે અને આ સમય દરમિયાન લાલપુર, જામજોધપુર અને જોડિયામાં હળવા છાંટા પડયા છે.