રેલ્વે રાજ્યમંત્રી સમક્ષ જામનગર સહિતના સૌરાષ્ટ્રના રેલપ્રશ્નો...

અગાઉની માંગો અંગે હજૂ સુધી કોઈ જ નિર્ણય લેવાયા નથી !! 

રેલ્વે રાજ્યમંત્રી સમક્ષ જામનગર સહિતના સૌરાષ્ટ્રના રેલપ્રશ્નો...
file image

Mysamachar.in-રાજકોટ:

આપણાં દેશમાં પોસ્ટ, ટેલિફોન અને રેલવે જેવાં કેન્દ્રીય વિભાગો અત્યંત ધીમી ગતિએ કામ કરતાં હોવાની સ્થિતિ, આજે પણ- આઝાદીનાં 75 વર્ષ પછી પણ યથાવત્ છે ! આ વિભાગો લોકોની તો સમજ્યા આગેવાનોની રજૂઆતોની પણ ખાસ દરકાર કરતાં નથી ! જેને પરિણામે લોકો આ પ્રકારના તંત્રો પાસે બહુ અપેક્ષાઓ પણ રાખતાં નથી !

તાજેતરમાં રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદૌસ રાજકોટની મુલાકાતે આવ્યા હતાં. તેઓ સમક્ષ વધુ એક વખત, સૌરાષ્ટ્રનાં રેલપ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. પરંતુ નવાઈની વાત એ છે કે, અગાઉની રજૂઆતો હજૂ અધ્ધરતાલ છે ! રેલવે તંત્રની કામ કરવાની પદ્ધતિ હજૂ પણ અંગ્રેજોના જમાનાની છે.

રાજકોટમાં મંત્રી સમક્ષ રેલવેના ડબલ ટ્રેક, વીજળીકરણ તથા નવી ટ્રેનો શરૂ કરવા અંગે તેમજ ટ્રેનના સમયમાં ફેરફાર તેમજ ટ્રેન લંબાવવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. મંત્રી સમક્ષની રજૂઆતમાં કાનાલૂસ-ઓખા ડબલ ટ્રેક સર્વે, ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેઇલનાં સમયમાં થોડાં કલાકોનો ફેરફાર, જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનને સુરત સુધી દોડાવવાની જૂની માંગ સહિત વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.

અત્રે એ પણ નોંધનીય છે કે, આ અગાઉ રાજ્યસભાના શાસકપક્ષનાં સાંસદ દ્વારા પણ ગત્ ફેબ્રુઆરી માસમાં રાજકોટ ડિવિઝનમાંથી વંદે ભારત સહિતની 10 નવી ટ્રેન ફાળવવાની માગણી કરવામાં આવી હતી જે માંગણી આજની તારીખે અધ્ધરતાલ છે. દિલ્હીમાં બેઠેલા રેલવે બાબુઓ અંગ્રેજોની યાદ અપાવે તે રીતે કામ કરી રહ્યા છે !