મજુરી કરી પેટીયું રળતી મહિલા પર લાઠીઓ વીંઝવી મહિલા PSI ને ભારે પડી

સોશ્યલ મીડિયામાં પણ થઇ હતી ટીકાઓ

મજુરી કરી પેટીયું રળતી મહિલા પર લાઠીઓ વીંઝવી મહિલા PSI ને ભારે પડી

Mysamachar.in-અમરેલી

કોરોનાના કપરા કાળ પછી મજુરી કામ કરતા લોકો પોતાનું પેટ ભરવા મજુરી કરીને ગુજરાન ચલાવે છે, આવા લોકો બજારો ભરાતી હોય તેમાં માલસામાન વહેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે અમીરો પાસે હેઠો પડી જતો પોલીસનો દંડો આવા લોકો પર શૂરો થઈને ચાલે છે, વાત અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ભરાતી બુધવારી બજારની છે,..

જ્યાં મહિલા પીએસઆઈ દિપીકા ચૌધરીએ પાથરણાવાળી ગરીબ મહિલાઓ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નામે લાઠીઓ વરસાવી હતી. જોકે, PSI દીપિકા ચૌધરીનો વીડિયો વાયરલ થતા જ રાજ્યમાં આ ઘટનાને લઈને ફિટકાર વરસ્યો હતો. ઘટનાના પગલે ગાંધીનગરથી પણ આદેશો છુટ્યા હતા. અને અંતે પીએસઆઈ દિપીકા ચૌધરીને લાઠીઓ વિન્ઝ્વી ભારે પડી અને અમરેલી જિલ્લા પોલીસવડાએ સહેજ પણ તરફદારી કર્યા વગર પોતાના સ્ટાફમાં દાખલો બેસાડતા તત્કાલ મહિલા પીએસઆઈ દીપિકા ચૌધરીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે,

બાબરામાં દર બુધવારે મધ્યવર્ગના લોકો ખરીદી કરી શકે તે માટે બુધવારી બજાર ભરાય છે. આજે સવારે પોલીસે દાદાગીરી કરીને આ માર્કેટ બંધ કરાવી હતી. આ દરમિયાન દીપિકા ચૌધરી નામના મહિલા પીએસઆઈએ બુધવારીમાં પાથણા પાથરી વેપાર કરતી ગરીબ અને મધ્યવર્ગની મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. અનેક મહિલાઓને તેમણે ડંડાથી માર માર્યો હતો. આ દરમિયાન તેઓ યુનિફોર્મમાં પણ જોવા મળ્યા ન હતા. હકીકતમાં આ મહિલાઓ અહીં મોજશોખ માટે નહીં પરંતુ અઠવાડિયામાં એક દિવસ નદીના પટમાં પાથરણાં પાથરીને જૂના કપડાંનો વેપાર કરીને પોતાનું ગુજરાનચલાવે છે.