કપરાકાળમાં ભાડુઆતે ભાડું ના આપતા મકાનમાલિકે ભાડુઆતને પૂરી દીધા

પોલીસે પહોચી અને તાળું તોડ્યું, માનવતા નેવે મુકતો મકાનમાલિક

કપરાકાળમાં ભાડુઆતે ભાડું ના આપતા મકાનમાલિકે ભાડુઆતને પૂરી દીધા

Mysamachar.in-અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં માનવતા અને સંવેદના ભૂલાઈ ગઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે. અહીં એક મકાન માલિકે તેના ભાડુઆતે પૂરું ભાડું ન ચૂકવતા તેમને ઘરમાં જ બંધ કરી દીધા હતા. મકાન માલિક ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ઉપર તાળું મારીને ભાગી ગયો હતો. એક તરફ કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે અનેક લોકોને બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યા છે. સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે આવા કપરા સમયમાં કોઈ પણ મકાન માલિક તેમના ભાડુઆતને મકાન ખાલી ન કરાવે અને ભાડાના પૈસા માટે દબાણ ન કરે.

મોડાસાની સહારાનગર સોસાયટીમાં મકાનમાલિક દ્વારા તેના મકાનમાં દોઢ વર્ષથી રહેતા પરિવારને ઘરમાં પૂરી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મકાન માલિકનો પૌત્ર ભાડું લેવા માટે આવ્યો હતો. જોકે, ભાડુઆતે બે હજારના ભાડા સામે ફક્ત એક હજાર આપ્યા હતા. તેમજ બાકીના પૈસા પછી આપવાનું જણાવ્યું હતું. જે બાદમાં મકાન માલિકના પૌત્રએ બહારથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને ઉપર તાળું મારી દીધું હતું. મકાન માલિકના પૌત્રએ આવું કૃત્ય કરતા પરિવારના ચાર સભ્યો અંદર જ બંધ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને તેમણે પૈસા ભેગા કરીને મકાન માલિકના પૌત્રને આપ્યા હતા. જોકે, મકાન માલિકનો પૌત્ર આ પૈસા રસ્તા પર ફેંકીને ભાગી ગયો હતો. બીજી તરફ મકાન માલિકનું કહેવું છે કે તેને આ અંગે કોઈ જ માહિતી નથી. તેમના જમાઇ તરફથી આવું કૃત્ય કરવામાં આવ્યું છે. એવી પણ માહિતી મળી છે કે કે ભાડુઆતના પરિવારમાં ચાર સભ્યો છે. જેમાં મહિલાનો પતિ મજૂરીકામ અને મહિલા ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ પરિવારનું મકાન બની રહ્યું છે. જોકે, લૉકડાઉનને કારણે કામ અટકી ગયું છે.  આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘરનું તાળું તોડીને પરિવારને મુક્ત કરાવ્યો હતો. આ ઉપરાંત મકાન માલિક સામે ફરિયાદ કરવી છે કે નહીં તેની પૂછપરછ કરી હતી.