અશ્લીલતા અને જાતિય સતામણી હવે આપણાં પ્રાથમિક ક્લાસરૂમમાં પણ પહોંચી !!

મોબાઈલનો અનિયંત્રિત ઉપયોગ અને વાલીઓની બેકાળજી ગંભીર સ્થિતિ સર્જી રહ્યા છે......

અશ્લીલતા અને જાતિય સતામણી હવે આપણાં પ્રાથમિક ક્લાસરૂમમાં પણ પહોંચી !!
Symbolic image

Mysamachar.in:ગુજરાત

વિજ્ઞાન અને ટેકનોલોજી એક અર્થમાં વરદાન છે, તો સાથે જ તે શાપ પણ પૂરવાર થઈ શકે છે. ગુજરાત, ભારતમાં આજે આ બની રહ્યું છે ! મોબાઈલનો વ્યાપક ઉપયોગ અને તેનાં માધ્યમથી અશ્લીલતાનો સ્ફોટ સમાજમાં ચિંતાઓ જન્માવી રહ્યો છે ! આપણે સૌ જાણીએ છીએ કે, આજની સ્થિતિમાં મોબાઈલ સૌ કોઈ માટે હાથવગું સાધન બની ગયું છે. બેત્રણ વર્ષનું બાળક પણ રમકડાંથી રમવાને બદલે મોબાઈલથી રમે છે ! બાળક નિર્દોષ છે પરંતુ આ સ્થિતિ માટે વાલીઓ જવાબદાર છે. બાળકોને માતાપિતા અને ભાંડુઓનું સાહચર્ય નથી મળતું ! છેક બચપણથી જ બાળકનો સાથી મોબાઈલ છે ! જે બાળકને અધઃપતન સુધી પહોંચાડી શકે છે !

મોબાઈલ અને તેમાં વિવિધ રીતે થતો અશ્લીલતાનો સ્ફોટ આપણાં કુમળાં બાળકોનાં માનસપટ પર ઘેરી અને ચિંતાજનક માઠી અસરો જન્માવી રહ્યો છે. કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક શાળાઓમાં આપણે મોબાઈલની ઘાતક અસરો જોઈ ચૂક્યા છીએ. હવે આપણી પ્રાથમિક શાળાઓના છોકરાં અને છોકરીઓમાં પણ મોબાઈલની રાક્ષસી અસરો અનુભવી રહ્યા છીએ ! આ સ્થિતિ આગળ ઉપર કેટલી વકરશે ?! તે પ્રશ્નનો જવાબ કલ્પનાતીત છે !

રાજકોટમાં એક ખાનગી શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો એક છાત્ર, પોતાની સાથે ભણી રહેલી દસેક વર્ષની બાળકીની જાતીય સતામણી કરી રહ્યો છે ! આ સમાચાર હજુ ગઈકાલે જ બહાર આવ્યા ! નવાઈની વાત એ પણ રહી છે કે, આ મુદ્દે વર્ગશિક્ષિકા સમક્ષ બાળકીનાં વાલીએ ફરિયાદ કરી તો પણ તે શિક્ષિકાએ કશા જ પગલાં ભર્યા નથી ! સ્કૂલ મેનેજમેન્ટને શિક્ષિકાએ જાણ પણ કરી નહીં ! બાળકીનાં માતાપિતા ચિંતિત છે. બાળકી માનસિક ત્રાસ અનુભવી રહી છે !

જામનગરમાં પણ આ પ્રકારના બનાવો જુદી રીતે, ખાનગીમાં બનતાં રહેતાં હોય છે ! અને, જાહેરમાં પણ નાની નાની છાત્રાઓ એકસાથે ચારપાંચ છાત્રો સાથે અનિયંત્રિત રીતે છૂટ લેતી હોય એવાં દ્રશ્યો આપણે સૌ જોઈએ છીએ ! અથવા તો, એકદમ નાની છાત્રા સાથે તેનાથી મોટી ઉંમરનો છાત્ર બિનજરૂરી છૂટ લેતો હોય એવાં દ્રશ્યો પણ શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ તથા અન્યત્ર જોવા મળી રહ્યા છે ત્યારે આપણે ચિંતિત બનવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા છીએ ! શાળા કોલેજોની છાત્રાઓ પર જાહેરમાં છાત્ર અથવા આવારા તત્ત્વો દ્વારા એકતરફી પ્રેમમાં હુમલાઓ થતાં રહે છે ! આવાં તત્વો પર ખાખી રંગનો કોઈ ખૌફ નથી !

અને, માબાપોની બેકાળજીને કારણે અથવા દેખાદેખીને કારણે ચોવીસેય કલાક નાનાં છોકરાં અને છોકરીઓનાં હાથોમાં મોબાઈલ રમતો હોય છે ! એ મુદ્દો પણ આવી ઘટનાઓ પાછળ ગંભીર અને મુખ્ય વિલનની ભૂમિકા ભજવતો હોય છે - એ બાબતને આપણે ગંભીરતાથી લેતાં નથી ! આપણો સમાજ જટિલ અને બહુરંગી સમાજરચના ધરાવે છે, જે પૂરતાં પ્રમાણમાં શિક્ષિત અને સમજદાર પણ નથી. આ સ્થિતિમાં મોબાઈલ નામનાં સાધન અંગે આપણે આજે નહીં વિચારીએ તો, આપણી પાસે આવતીકાલ બચશે જ નહીં ! એવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે !