લાલપુર બાયપાસ ચોકડી નજીક સગર્ભા અને તેના બાળકને બાઈકે લીધા અડફેટ, 2 વર્ષના બાળક અને ગર્ભમાં રહેલ બાળકનું મોત 

લાલપુર બાયપાસ ચોકડી નજીક સગર્ભા અને તેના બાળકને બાઈકે લીધા અડફેટ, 2 વર્ષના બાળક અને ગર્ભમાં રહેલ બાળકનું મોત 

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અવારનવાર અકસ્માતોની ઘટના  સામે આવતી રહી છે, એવામાં વાંચીને રૂવાળા ઉભા થઇ જાય તેવી એક ઘટના સામે આવી છે જેમાં એક બાઈક ચાલકે અડફેટ લેતા સર્ગભા માતાના પેટમાં ઉછરી રહેલ બાળક અને 2 વર્ષના બાળકના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવની પંચ બી પોલીસ મથકે જાહેર થયેલ વિગતો મુજબ..

મૂળ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પરીયેજ ગામના વતની અને હાલ જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે ગણપતિના મંદિર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતાં હંસાબેન અમરભાઈ વાંજા ઉ.32 નામની સગર્ભા મહિલા શુક્રવારે સવારના સમયે તેના બે વર્ષના પુત્ર સાગરને તેડીને તેણીના ઘરે જતી હતી ત્યારે જીજે-10-ડીસી-2564 નંબરના બાઈકસવારે તેનું બાઈક પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી મહિલાને પાછળથી હડફેટે લઈ ઠોકર મારતા સગર્ભા મહિલા પુત્ર સાથે જમીન પર પટકાઈ હતી. આ અકસ્માતમાં બે વર્ષના બાળક સાગરને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સગર્ભા મહિલા પટકાતા પેટ દબાઇ જવાથી ગર્ભમાં રહેલ સાડા છ માસના બાળકનું પણ મોત નિપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગેની મહિલા દ્વારા પોલીસ મથકમાં આ અંગે જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી બાઈકચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.