મેલીવિદ્યા કાઢવા માટે વડીલના શરીર પર કૂદી કૂદીને પરિવારના સભ્યોએ મારી નાખ્યા!

મેલીવિદ્યા કાઢવા માટે વડીલના શરીર પર કૂદી કૂદીને પરિવારના સભ્યોએ મારી નાખ્યા!

mysamachar.in-સુરત:

આજના આધુનિક જમાનામાં વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું હોવા છતાં હજુ ઘણા એવા પરિવારો છે જે અંધશ્રદ્ધાના યુગમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે,તેવામાં અંધશ્રદ્ધામાં અંધ બનેલાં પત્ની, પુત્રો, પુત્રી અને પુત્રવધૂએ જ્યાં સુધી ઘરના વડીલનું મોત ન થયું ત્યાં સુધી તેના શરીર પર કૂદવાનું ચાલુ રાખ્યું હતું. શરીરમાંથી મેલું કાઢવા માટે આખા શરીરે કંકુનું પાણી છાંટ્યા બાદ એક પછી એક આ વડીલના શરીર પર કૂદવા લાગ્યા હતા અને મૃત્યુ થવા છતાં ઘરના સભ્યોએ કુદવાનું ચાલુ રાખ્યું હતું,આ બનાવ અંગે પોલીસે ઘરના તમામ સભ્યોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે,

ઘટના છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વિમલનાથ એપાર્ટમેન્ટની જેમાં રહેતા કાનજીભાઇ પ્રજાપતિની હત્યા કરાયેલી લાશ મળી હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો કે કાનજીભાઇની પાંસળી તૂટેલી હતી અને તેમના શરીર પરથી કંકુવાળું પાણી મળી આવ્યું હતું.પોલીસે શંકાને આધારે પરિવારજનોની પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.પોલીસે કાનજીભાઇના પત્ની, પુત્રો, અને પુત્રી તથા પુત્રવધૂ ધરપકડ કરી છે,

કતારગામ પ્રજાપતિ પરિવારના સભ્યો અંધશ્રદ્ધામાં આવી જઈને કાનજીભાઇમાંથી મેલી વિદ્યા કાઢવાના આશયથી તેમના શરીર પર કંકુનું પાણી લગાવી પરિવારના સભ્યો વારાફરતી તેમના શરીર પર ત્યાં સુધી કુદતા રહ્યા કે તેમનું મોત થયું તો પણ કુદવાનું ચાલું રાખ્યું હતું.પોલીસને કાનજીભાઇની લાશ ઘરમાંથી મળી ત્યારે પરિવારજનોએ તેમને જાણ ન હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો ખુબ પ્રયાસ કર્યો, પણ પોલીસની ચતુરાઇ સામે અંતે પરિવારજનોના હાથ હેઠા પડ્યા હતા અને આકરી પૂછપરછના અંતે આ મામલો સામે આવ્યો હતો.