ગુજરાતમાં પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ

ગુજરાતમાં પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણી માટે સોમવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. આ છ બેઠકોમાં 20-ખેરાલુ ( મહેસાણા જિલ્લો ), 8-થરાદ (બનાસકાંઠા જિલ્લો ), 50 અમરાઇવાડી ( અમદાવાદ જિલ્લો ), 122 લુણાવાડા ( મહિસાગર જિલ્લો ), 16 રાધનપુર ( પાટણ) અને 32 બાયડ (અરવલ્લી જિલ્લો)નો સમાવેશ થાય છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હતી. ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે. તમામ સીટ પર થયેલા સરેરાશ મતદાન પર નજર કરીએ તો થરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, બાયડમાં 47 ટકા, અમરાઈવાડીમાં 32 ટકા અને લુણાવાડામાં 47.54 ટકા થયું છે. હવે 24મી ઓક્ટોબર ગુરુવારે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે બાદ જાણી શકાશે કે બે લાખથી મતદારોએ કોના પર પસંદગી ઉતારી છે.

આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં 7 ઉમેદવારો મેદાનમાં છે. રાધનપુર (Radhanpur) બેઠકના ભાજપ અને કૉંગ્રેસના બન્ને ઉમેદવાર આયાતી હોવાથી બન્ને ઉમેદવાર પોતાની જ વિધાનસભા બેઠક પર પોતાનો મત જ નહી આપી શકે. બન્ને ઉમેદવારનું નામ રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી પંચની યાદીમાં નથી.