ભુજમાં માસિકધર્મનો વિવાદ સમ્યો નથી ત્યાં જ સુરતમાં પણ..

ભુજમાં માસિકધર્મનો વિવાદ સમ્યો નથી ત્યાં જ સુરતમાં પણ..

Mysamachar.in:સુરત:

હજુ તો થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે ભુજની સહજાનંદ ઇન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીનીઓના માસિકધર્મનો વિવાદ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, અને રાજ્ય અને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું, એવામાં ગુજરાતની મહિલા અસ્મિતાને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓ સાથે અશોભનીય વ્યવહાર કરવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં હંગામી મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે લેવાતી ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. આ મામલે મ્યુનિસિપલ કમિશનર ને પણ ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે વારંવારની આવી શરમજનક ઘટનાઓ ગુજરાતને શરમશાર કરી રહી છે,

આ હોસ્પીટલમાં મહિલાઓને કાયમી કરવા લેવાતી ટેસ્ટમાં વિવાદ સર્જાયો છે. મહિલા કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. હંગામી મહિલાકર્મીઓને કાયમી કરવા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે. 10 જેટલી મહિલાકર્મીઓને નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહિ, મહિલાઓ પાસેથી કેટલીક ગુપ્ત માહિતી પણ માંગવામા આવી હતી. કેટલીક મહિલાઓ તો રડી પણ પડી હતી, આ ઘટના સામે આવતાં જ હોસ્પિટલમાં  ચકચાર મચી જવા પામી હતી. આ મામલે કર્મચારી યુનિયન એક્શનમાં આવી ગયું હતું. અને કર્મચારી યુનિયન દ્ગારા મ.ન.પા. કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે મ્યુનિસિપલ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અને ફીટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો તે કેટલો યોગ્ય છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હમણા જ ભુજમાં બનેલી માસિક ધર્મની ઘટના બાદ ગુજરાતને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હવે આ મામલે શું તપાસ અને કેવા પગલા લેવાય છે તે જોવાનું છે.