શું ખનિજ માફિયા પર રૂપાણી સરકારની મીઠી નજર છે ?

શું ખનિજ માફિયા પર રૂપાણી સરકારની મીઠી નજર છે ?
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

જામનગર-દ્વારકા સહિત રાજ્યભરમાં ખનિજ માફિયાઓ કેટલા બેફામ બન્યા છે એ સૌકોઇ જાણે જ છે, થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયા દ્વારા મામલતદારને ધમકી આપવાની ઘટના બની હતી, હવે ખુદ રૂપાણી સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે કરોડો રૂપિયાની ખનિજ ચોરી સાબિત થઇ ચૂકી છે, પરંતુ માત્ર ૧૨ ટકા જ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે, દ્વારકા જિલ્લામાં તો ૧૯૯.૧૯ કરોડની ખનિજ ચોરી પકડાઇ હતી, જેના સામે ૧૯૧.૫૦ કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી છે. છેલ્લા પાંચ વર્ષોમાં ખનિજ ચોરીના પકડાયેલા ૩૩,૫૫૭ કિસ્સામાં રૂ. ૧,૩૫૨.૪૫ કરોડની જંગી કિંમતના ખનિજોની ચોરી સાબિત થઈ છે, જેની સામે માત્ર રૂપિયા ૧૬૪.૨૭ કરોડ જ વસૂલાયા છે, જ્યારે ૨,૬૯૩ વ્યક્તિ પાસેથી રૂ. ૧,૧૮૮.૧૮ કરોડની વસૂલાત કરવાની બાકી છે.

પોતે જ જાહેર કરેલા આંકડા બાદ લૂલો બચાવ કરતાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે દંડ વસૂલવા કારણદર્શક નોટિસો આપી છે, હુકમો કર્યા છે, પોલીસ ફરિયાદો કરી છે અને આરઆરસી ઇશ્યૂ કરવા જિલ્લા અધિકારીને સૂચના પણ આપી છે. કુલ ૩૩,૫૫૭ ચોરીના કિસ્સામાં ૮૨૭ પોલીસ ફરિયાદો દાખલ થઈ છે. રૂપાણી સરકારે એવું પણ જણાવ્યું કે ડ્રોનથી ચાંપતી નજરે સર્વેલન્સ થાય છે, ૨૪ કલાક કંટ્રોલ ગાંધીનગર ખાતે કાર્યરત છે, ફરિયાદ કરવા માટે CGM-Gujarat નામક મોબાઇલ એપ બનાવાઈ છે, જો કે સરકાર આટલી કામગીરી કરી રહ્યું છે તેમ છતા ખનિજ માફિયાઓ બેફામ કેમ બની ગયા ?