Mysamachar.in-ગાંધીનગર:
જેની રાજ્યના લોકો રાહ જોઈ રહ્યા છે, તે રાજ્યસરકારનું બજેટસત્ર આવતીકાલ થી શરુ થશે, 26મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થશે, સત્રના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ પ્રસ્તુત કરશે. આ બજેટમાં રાજ્ય સરકાર નાણાંકીય સંતુલનની સાથે રાજ્યની મહાનગર પાલિકાઓ અને જીલ્લાપંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારાની દરખાસ્ત રજૂ ન કરે એવી શક્યતાઓ છે. તો વિપક્ષ પણ વિવિધ મુદ્દાઓને લઈને બજેટસત્ર દરમિયાન સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.
આવતીકાલથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કરશે. કેમ કે ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 7વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ આવતીકાલે 8મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કરશે.