કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો, અનેક મોટા નેતાઓની અટકાયત

કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો, અનેક મોટા નેતાઓની અટકાયત

Mysamachar.in-ગાંધીનગરઃ

રૂપાણી સરકારને વિધાનસભાની અંદર અને બહારથી ઘેરવા માટે કોંગ્રેસ દ્વારા દેખાવ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ કરી હતી, પરંતુ અગાઉથી જ બંદોબસ્તમાં ગોઠવાઇ ગયેલી પોલીસ ટૂકડીએ કોંગ્રેસના કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો, આ માટે પોલીસે વોટર કેનનની મદદથી પાણીમારો પણ કર્યો, પોલીસ સાથે ઝપાઝપી દરમિયાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કપડા પણ ફાટી ગયા તો વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે.દેખાવ કાર્યક્રમ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે થોડીવાર સ્થિતિ તંગ બની હતી. તો વિધાનસભા ગેટ 2 પર યુવા કોંગ્રેસના કેટલાક કાર્યકરો પહોંચી ગયા હતા, જો કે અંદર પહોંચે તે પહેલા જ તેઓની પોલીસે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે આજથી વિધાનસભાનું શિયાળું સત્ર શરૂ થઇ રહ્યું છે, જેથી આ સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા દુષ્કર્મ, પરીક્ષામાં ગેરરીતિ સહિતના વિવિધ પ્રશ્નોને લઇને સરકારને ઘેરવામાં આવે તેમ લાગી રહ્યું છે.