આર.સી.ફળદુએ કરેલ ભલામણવાળા રસ્તાના કામમાં જ વેઠ ઉતારવામાં આવી..!

આર.સી.ફળદુએ કરેલ ભલામણવાળા રસ્તાના કામમાં જ વેઠ ઉતારવામાં આવી..!

mysamachar.in-જામનગર:

રાજ્ય સરકાર ગ્રામીણ પ્રજાના દિલ જીતવા માટે ગાડા માર્ગને ડામર સપાટીથી જોડવાનો નિર્ણય કરીને કરોડો રૂપિયાનું ફંડ છેલ્લા બે વર્ષથી ફાળવવામાં આવે છે અને જામનગર જીલ્લાને ગત વર્ષ આ યોજના હેઠળ ૫૦ કરોડ જેટલું ફંડ ફાળવેલ હતું પરંતુ જામનગર જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ આ ફંડનો દુરુપયોગ કરવામાં ભાગીદાર બનીને ગત વર્ષે જામનગર જીલ્લામાં બનેલ આવા ડામર રોડની હાલત ટૂંકાગાળામાંજ બગડી જતાં ઈજનેરોના પાપે રાજ્ય સરકારની છબી સુધરવાના બદલે ગ્રામીણ પ્રજામાં વધુ ને વધુ બગડી રહી હોવાનું સામે આવ્યું છે,

રાજ્યના કૃષિમંત્રી અને કાલાવડના વતની આર.સી.ફળદુએ કાલાવડ તાલુકાનાં જે રોડના કામની ભલામણ કરીને મંજૂર કરાવ્યા હતા તે રોડ ટૂંકગાળામાંજ ખરાબ થઈ જતાં ચકચાર જાગી છે,કાલાવડ તાલુકામાં ગત વર્ષે ચારથી પાંચ ડામર રોડ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં જીવાપર ગામને જોડતો અપ્રોચ રોડ વર્ષો પછી મંજૂર થતાં જીવાપરના નાગરીકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી અને આ કામ માટે સરકારે ૬૫ લાખ મંજૂર કરીને કામ કરાવ્યુ હતું પરંતુ ટૂંકગાળામાં જ આ રોડ ફાટી ગયો છે અને રોડની સાઈડના કામોમાં પણ લોટ પાણી ને લાકડા થયા હોવાનું સ્થાનિકો જણાવે છે,જ્યારે કાલાવડના પ્રસિદ્ધ યાત્રાધામ રણુંજાથી હરિપર બાયપાસ નવા રોડ માટે સરકારે ૯૦ લાખ મંજૂર કરીને હાલમાંજ આ રોડનું કામ પૂરું કર્યું છે ત્યારે આ રોડમાં પણ ખાડા પડીને તૂટવાની શરૂઆત થઈ ગઈ છે જે તસવીરોમાં નજરે પડે છે,

આમ કાલાવડ તાલુકાનાં (૧)પ્રભુજી પીપરિયા રોડ અને બ્રિજના કામ માટે ૧.૬૫ કરોડ(૨)ફગાસના રોડ માટે ૮૦ લાખ(૩)નિકાવાથી લોધિકા જીલ્લા હદ સુધીના રોડ માટે ૭૫ લાખ મંજૂર કરાયા હતા અને દર વર્ષે કાલાવડ તાલુકામાં રોડના કામ માટે કરોડો રૂપિયાનું ફંડ સરકાર ફાળવે છે પરંતુ નેતાઓ દ્વારા પાછળથી ધ્યાન ન આપતા કામમાં વેઠ ઉતારવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

હવે રોડ ની સ્થિતિ જો ટૂંકા ગાળામાં આવી થઈ જાય તો તેના માટે જવાબદારો સામે પગલાં લઈ અને તંત્રએ દાખલો બેસાડવો જોઈએ.