જામનગરના સમાજશ્રેષ્ઠી રમેશ દત્તાણી ફેડરેશનના પ્રમુખપદે બિનહરિફ ચૂંટાયા

જામનગરના સમાજશ્રેષ્ઠી રમેશ દત્તાણી ફેડરેશનના પ્રમુખપદે બિનહરિફ ચૂંટાયા

Mysamachar.in-જામનગર:

ભારતભરમાં વસતા સમસ્ત ગુજરાતી બાંધવો તેમજ ગુજરાતી સંગઠનોની સર્વોચ્ચ સંસ્થા (ફેડરેશન)ની વાર્ષિક સામાન્ય સભાનું ભવ્ય આયોજન ૨૯ ફેબ્રુઆરી અને ૧ માર્ચ ૨૦૨૦ના (બે દિવસીય) ભચાઉ-કચ્છમાં થાણાના એન.કે.ટી. ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ધનલક્ષ્મીબેન નાનજીભાઈ ઠક્કર અતિથિગૃહમાં કરવામાં આવ્યું હતુ, વાર્ષિક સામાન્ય સભાનું અધ્યક્ષસ્થાન પૂર્વ અધ્યક્ષ હરેન્દ્રભાઈ તન્નાએ શોભાવેલ હતું. ભારતના વિવિધ શહેરોથી આવેલ સભાસદોની નોંધનીય ઉપસ્થિતિ હતી. પ્રભુ પ્રાર્થના બાદ, દિવંગતોને શ્રધ્ધાંજલિ, ગુજરાત ગૌરવગાનનું પઠન, પ્રમુખના નિવેદનની રજુઆત, ગત સામાન્ય સભાની મિનિટ્સને બહાલી, સંસ્થાના હિસાબ-કીતાબને બહાલી, નવા વર્ષ માટે બજેટ માટેનો નિર્ણય અને ત્યારબાદ ચૂંટણીના નિર્ણયોની જાહેરાત થતા જામનગરના સમાજ સેવી-ઉત્સાહી આગેવાન રમેશભાઈ દત્તાણીને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતાં.

વિભાગોથી કારોબારી સમિતિમાં ચૂંટાયેલા સદસ્યોમાં પશ્ચિમ વિભાગ (૧) મગનભાઈ ખીમજી ઠક્કર-થાણા (૨) દિગ્વિજય કાપડીયા-નાસીક (૩) વિનોદ રાયશી માલદે (૪) વિજયભાઈ જાની-આકોલા (૫) પ્રકાશભાઈ લોઢીયા-આકોલ તથા દક્ષિણ વિભાગ (૧) શ્રી જગદીશભાઈ ભોજાણી-કોઈમ્બતુર (૨) હરીશભાઈ શાહ-કોઈમ્બતુર (૩) નગીનદાસ ખાખરીયા-કાલીકટ (૪) જે.ડી. શાહ-સિકન્દરાબાદ તેમજ મધ્ય વિભાગ (૧) રજનીભાઈ દવે-ભિલાઈ (૨) દિલીપભાઈ લાખાણી-દૂગે (૩) પ્રફુલભાઈ દિક્ષીત દૂગે તથા ગુજરાત વિભાગઃ (૧) જીતેશ મહેતા-અમદાવાદ (૨) દિનેશ ઠક્કર-વડોદરાનો સમાવેશ થાય છે.

અધ્યક્ષએ બંધારણ મુજબ વિવિધ વિભાગોના ઉપપ્રમુખોની નિયુક્તિ કરી હતી. તે મુજબ ગુજરાત વિભાગ જીતેશભાઈ મહેતા તથા પશ્ચિમ વિભાગઃ વિનોદ રાયશી માલદે, દક્ષિણ વિભાગ જગદીશભાઈ ભોજાણી, મધ્ય વિભાગ રજનીભાઈ દવેની નિયુક્તિ થઈ હોય સંસ્થાએ ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી સંસ્થાને તન-મન-ધનથી સક્રીય સહકાર આપનાર સભાસદો અને મહાનુભાવોનું શાલ અને સન્માનપત્રથી બહુમાન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણય મુજબ સલાહકાર સમિતિનું ગઠન કરવામાં આવેલ જેના ચેરમેન પદે સંસ્થાના પૂર્વ અધ્યક્ષ હરેન્દ્રભાઈ તન્નાની નિયુક્તિ કરવામાં આવી હતી. જામનગરના પીયુષભાઈ ભોજાણીને સદસ્યરૃપે નિમવામાં આવ્યા,

કાર્યક્રમ પછી સંસ્થામાં પદાધિકારીઓએ ભચાઉમાં ભચાઉ-લોહાણા મહાજનના નિમંત્રણને માન આપી યોજાયેલ ભવ્ય સમૂહલગ્ન પ્રસંગે હાજરી આપેલ હતી. સર્વેનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગીત સાથે સભા સંપન્ન થઈ હતી. આ બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે આયોજીત સાંસ્કૃતિ કાર્યક્રમમાં જુનાગઢના ડાયરાના મોભી દીલદાન ગઢવીએ રચનાઓ રજુ કરી હતી.