પેપરલીક કાંડનો સૂત્રધાર યશપાલ ગુજરાતમાંથી જ ઝડપાયો!

પેપરલીક કાંડનો સૂત્રધાર યશપાલ ગુજરાતમાંથી જ ઝડપાયો!

Mysamachar.in-ગાંધીનગર:

તાજેતરમાં જ યોજાયેલ લોકરક્ષક દળની પરીક્ષાના લીક થયેલા પેપર મામલે સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયા બાદ ગાંધીનગર સહિતની પોલીસ હરકતમાં આવીને આ પેપરલીક કાંડમાં સંડોવાયેલ ભાજપના જ કાર્યકરો સહિત વાયરલેસ પી.એસ.આઇ. પટેલ તેમજ હોસ્ટેલ સંચાલિકા રૂપલ શર્માને ઝડપી લેવામાં આવતા એક પછી એક રાજ ખુલવા લાગ્યા હતા અને પોલીસે ધરપકડનો દૌર શરૂ કરીને અત્યાર સુધીમાં ૧૦ જેટલા શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે,

તેવામાં આ પેપરલીક કાંડમાં મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા યશયાલ સોલંકી ઉર્ફે યશપાલ ઠાકોર ફરાર હોય ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમ દ્વારા દિલ્હી સુધી શોધખોળ હાથ ધર્યા બાદ પોલીસે મહિસાગર જીલ્લાના વીરપુર નજીકથી યશયાલ સોલંકીની અટકાયત કરી લીધી છે અને આજે બપોર સુધીમાં તેની કાયદેસરની ધરપકડ દેખાડવામાં આવશે, 

વધુમાં પોલીસ યશપાલને ગાંધીનગર લઇ આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. યશપાલ પેપર લેવા માટે દિલ્હી ગયો હતો અને ત્યાથી ફ્લાઇટમાં વડોદરા આવ્યો હતો. એટલું જ નહીં યશપાલ પોતે પણ આ પરીક્ષા આપવાનો હતો. જેથી આ સમગ્ર પેપર લીકમાં હજુ પણ મોટા માસ્ટર માઇન્ડના ખુલાસા થઇ શકે તેમ છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા ગત રવિવારે યોજાવાની હતી અને તેના એક કલાક પહેલા જ આ પરીક્ષાનું પેપર લીક થયાની ઘટના સામે આવતા પરીક્ષા બોર્ડના અધિકારી વિકાસ સહાયએ આ પરીક્ષા રદ કરી હતી. આ પરીક્ષામાં નવ લાખ જેવા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા અને પરીક્ષા રદ થતા લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોમાં ભારે હતાશા સાથે નિરાશાનું વાતાવરણ છવાયું હતું.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.