સાવધાન ! KBCમાં ઇનામ લાગ્યાનું કહી પૈસા ખંખેરતી ગેંગ સક્રિય

સાવધાન ! KBCમાં ઇનામ લાગ્યાનું કહી પૈસા ખંખેરતી ગેંગ સક્રિય

Mysamachar.in-જામનગરઃ

ઘણીવાર ઝડપથી પૈસા કમાવવાની લાલચે મોટું નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. કેટલીક ઠગ ટોળકી આ લાલચનો ફાયદો ઉઠાવી પૈસા ખંખેરી લેતી હોય છે. જામનગરમાં આ ઠગ ટોળકીનો ભોગ બને એ પહેલા જ એક જાગૃત નાગરિકે સાઇબર ક્રાઇમમાં અરજી કરી તેની સાથે બનેલી ઘટના જણાવી, જેમાં તેણે કહ્યું કે કૌન બનેગા કરોડપતિ તેમજ ઇન્કમટેક્ષ વિભાગના નામનો ઉપયોગ કરી અમુક ચોક્કસ વ્યક્તિઓના સમુહ દ્વારા લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.

જામનગરમાં વિક્ટોરીયા પુલ પાસે રહેતા સદેવંત મકવાણાએ જિલ્લા પોલીસ અધિક્ષકને એક પત્ર લખ્યો, જેમાં તેણે જણાવ્યું કે તેને એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેથી વ્યક્તિએ કહ્યું કે તમારા મોબાઇલ નંબર પર રૂપિયા 25 લાખનું ઇનામ લાગ્યું છે. જેના લોટરી નંબર 102 છે. ત્યારબાદ તેઓએ બે ફોટો મોકલ્યા જેમાં એક વ્યક્તિનું નામ અને બેંક એકાઉન્ટ હતા. તો બીજા ફોટોમાં કૌન બનેગા કરોડપતિના અમિતાભ અને ઇન્કમટેક્ષનું સર્ટીફિકેટ હોવાનું લખ્યું હતું. આ વ્યક્તિની ઓળખ SBIના બેંક મેનેજર તરીકે આપવામાં આવી હતી. બાદમાં આ વ્યક્તિના દિવસમાં દશથી વધુ વખત ફોન આવ્યા હતા. જો કે કાંઇક ખોટું થયાનો અંદાજ આવી જતા મે નંબર સેવ કરી લીધો અને બાદમાં એ નંબર પર વીડિયો કોલ કર્યો હતો, સામેના વ્યક્તિએ વીડિયો કોલ થોડા સમય માટે રીસિવ પણ કર્યો હતો, જો કે આ દરમિયાન મેં સ્ક્રીન શોટ લઇ સામેની વ્યક્તિની તસવીર સેવ કરી લીધી.

ઇન્કમટેક્ષનું સર્ટીફિકેટ અપાવવાનું કહી માગ્યા 15 હજાર

ફોન પર જણાવવામાં આવ્યું કે ઇનામની રકમ તમારે સ્વીકારવા માટે ઇન્કમટેક્ષ પાસેથી સર્ટીફિકેટ લેવાનું રહેશે, આ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે એક બેંક ખાતામાં રૂપિયા 15 હજાર જમા કરાવવા પડશે. 15 હજાર જમા કરાવવા માટે તેને અનેક વખત ફોન આવ્યા હતા. સદેવંતભાઇએ જણાવ્યું કે આ લોકોનું આખું ગ્રૂપ છે જે યેનકેન પ્રકારે લોકોને પોતાની વાતોમાં ભોળવી રૂપિયા પડાવવાનું કૌભાંડ ચલાવી રહ્યાં છે. સદેવંતભાઇએ આવી ટોળકીનો ભોગ અન્ય લોકો ન બને તે માટે પોલીસ સમક્ષ કાર્યવાહી કરવાની માગ કરી હતી.