ફરી લેડી ડોન સક્રિય, આ વખતે SP અને PIને આપી ખુલ્લી ધમકી

ફરી લેડી ડોન સક્રિય, આ વખતે SP અને PIને આપી ખુલ્લી ધમકી

Mysamachar.in-રાજકોટઃ

સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે ઓળખાતી સોનુ ઉર્ફ સોનલ ઉર્ફે ઉષા ડાંગર ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે પણ સોશિયલ મીડિયામાં પોતે એક વીડિયોમાં અમરેલી એસ.પી અને પી.આઇને ધમકી આપી રહી છે. આ વીડિયો હાલ વાયરલ બન્યો છે. થોડા સમય પહેલા જ સોનુ અમદાવાદમાં પોતાના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઇ હતી, ત્યારબાદ સતત તે ચર્ચામાં આવી રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં સોનુ જણાવી રહી છે કે 'પોલીસે તેના મિત્ર મુન્ના સાથે ખોટું કર્યું છે માટે તેમને હવે તેનું પરિણામ ભોગવવું પડશે.' 

વાયરલ થયેલા કથિત વીડિયોમાં સોનુ ડાંગર બોલી રહી છે કે "જય હિન્દ. વંદે માતરમ. અમરેલીના એસપી સાહેબ અને ડોડિયા મેડમને મારે એટલું જ કહેવાનું કે, તમે 1000% હિન્દુના સંતાનો નથી. તમારે બંને લોકોએ તપાસ કરવી જોઈએ કે તમારું ડીએનએ શું છે. તમે લોકોએ મુન્નાભાઈ સામે ખોટા કેસ કર્યા, અમને લોકોને પરેશાન કર્યા તે બહુ ખોટું કર્યું છે. ડોડિયા મેડમ, કોઈ વાંધો નહીં. આપણે આમને સામને થઈ જઈશું. તમારે કેસ કરવો હોય તો કરી દેજો. હું સોનુ ડાંગર પોતે બોલું છું. આપણે બંનેનો આમનો સામનો થશે. હું મારા બાપની અને તમે તમારા બાપના હોવ તો મુન્નાભાઈ વિરુદ્ધના બધા પુરાવા લઈને આવજો. અમે એ રીતે તૈયારી રાખીને આવીશું. ડોડિયા મેડમ, તમે બચીને રહેજો. ધમકી કહો કે જે પણ, તમે મુન્ના પર હાથ ઉપાડ્યો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે. સિંહ જ્યારે પિંજરામાં હોય ત્યારે તમારા જેવા (ગાળ બોલે છે) લોકો તેને સળી કરે છે. બાકી કોઈની તાકાત નથી કે મુન્નાને કોઈ આંગળી પણ અડાવે. તમે બધાએ (ગાળ બોલે છે) કર્યું છે તેનો બદલો લેવામાં આવશે. તમે ઘમકી સમજો કે કંઈ પણ, મારી ધરપકડ કરવી હોય તો પણ કરી શકો છો. તમે જે કર્યું છે તે તમારે ભોગવવું પડશે."

કહેવામાં આવી રહ્યું છે કે સોનુ ડાંગરની ક્રાઇમ હિસ્ટ્રી બહુ લાંબી છે. સોનુ ડાંગરે બૂટલેગર સંજય રાજપૂત સાથે લગ્ન કર્યા બાદ ગુનાખોરીની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ વખત જ સોનુએ સંજયના ભાઈ પર હુમલો કર્યો હતો. બાદમાં સંજય સાથે મળી કિરણ ઉર્ફે કાબરાની હત્યા કરી હતી. એટલું જ નહી સોનુએ મારામારી તેમજ છરીથી હુમલો કર્યા હોવાના બનાવો પણ પોલીસ દફતરે નોંધાયા છે. આ સિવાય સોનુ ડાંગર ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે રાજકોટના હાર્દ સમા વિસ્તાર રૈયા રોડ પર 17 ડીસેમ્બર 2014ની સમી સાંજે જાહેરમાં એક મોબાઇલ શોપ પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.