દ્વારકા જિલ્લાના ટાપુઓ પર જાહેરનામાની થાય છે અમલવારી.? ક્યાંક સોફ્ટ ટાર્ગેટ ના બની જાય..

દ્વારકા જિલ્લાના ટાપુઓ પર જાહેરનામાની થાય છે અમલવારી.? ક્યાંક સોફ્ટ ટાર્ગેટ ના બની જાય..
File Image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

એક તરફ જન્માષ્ટમીના તહેવારો આવે છે ત્યારે દ્વારકા જિલ્લાના વહીવટીતંત્રને ટાપુઓ ઉપર ભાંગફોડ પ્રવૃતિ કરનારા આશ્રય લઇ શકે છે તેવી દહેશત હોય  પોલીસ વિભાગની દરખાસ્ત ને ગંભીરતાથી લઇ  ટાપુઓ ઉપર જવા માટે પ્રતિબંધ મુકતુ જાહેરનામુ કરાયુ છે, જો કે તેની અમલવારી અંગે દ્વિધા છે કેમ કે આવી દહેશત છતાય તમામ ટાપુ, લેન્ડીંગ પોઇન્ટ, તમામ વહાણ બોટ, તમામ દરિયાઇ આવાગમન, ચુસ્ત કોસ્ટલ કે જોઇન્ટથી પેટ્રોલીંગ વગેરે નિયમીત અને ચુસ્ત રીતે તેમજ રાઉન્ડ ધ ક્લોક થાય છે...કેમ? તે અંગે આત્મ વિશ્ર્વાસથી કોઇ કહી શકે કે કેમ તે પણ સવાલ છે,

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવવસ્તી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્‍ધાળુઓ સાથે રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી.

તાજેતરમાં ભારતીય સેના દ્વારા સીમાપરના ત્રાસવાદ ફેલાવતા ઠેકાણા પર સર્જીકલ સ્‍ટ્રાઇક બાદ ઉભી થયેલી પરિસ્‍થિતિમાં પાકિસ્‍તાન સ્‍થિત ત્રાસવાદી જુથો દેશના મહત્‍વના ચાવીરૂપ સંસ્‍થાઓ તેમજ મહત્‍વના ધાર્મિક સ્‍થાનો, ભીડવાળા સ્‍થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી જિલ્‍લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્‍ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ (ક્રમ ૧ થી ૫ મહેસુલી હકુમત ખંભાળીયા, ૬ થી ૮ મહેસુલી હકુમત કલ્‍યાણપુર, ૯ થી ૨૧ મહેસુલી હકુમત દ્વારકા)  ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્‍ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૨૮/૦૭/૨૦૧૯ થી તા.૨૫/૦૯/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેમ જાહેર કરાયુ છે

-પેટ્રોલીંગ અને અમલવારી કોણ કરે છે? કે જાહેરનામુ ફાઇલ માટે છે?

દ્વારકા  જિલ્લામા અનેક વખત ઘુસણખોરી, જાલીનોટ મળવી, બાંગ્લાદેશી મળી આવવા  દાણચોરીના સોના અને ડ્રગ્સ સાથે શખ્સો પકડાવા આવા અનેક બનાવ બને છે, જે દ્વારકા જિલ્લાના દરિયાઇ વિસ્તારની સંવેદનશીલતા દર્શાવે છે, વર્ષો પૂર્વે ઓખામા કાશ્મીરી પરવાનગી વગર ઝડપાવવા કે વહાણમા જાલીનોટ આવવી  સલાયા બંદરેથી ઉતરી અજાણ્યા શખ્સ ગાયબ થવા આવુ તો અનેક પોલીસ રેકર્ડમા છે, તેમાય કોઇ વિદેશી ઓળખાણ કે પુરાવા વગર લાંબો સમય  રોકાય જાય તે સુરક્ષા કેવી કહેવાય?  ખાળે ડુચા ને દરવાજા મોકળાની જેમ નિયમીત પેટ્રોલીંગ કોણ કરે છે? કેમકે ફોરેસ્ટ કે પોલીસ પાસે પુરતો સ્ટાફ અને દરેક બંદર કવર થાય તેવુ આયોજન  નથી અને જાહેરનામાની અમલવારી  દ્વારકા જિલ્લાની પોલીસે કરાવાની છે. એ દરેક ટાપુ ઉપર જશે કે જાય છે? તે સવાલ સ્વાભાવિક થાય છે માટે જાહેરનામુ માત્ર ફાઇલ મા રાખવા જ છે કે શુ તે સંવેદનશીલ દ્વારકા જિલ્લાના દરિયાઇ વિસ્તાર માટે ગંભીરતા ભર્યો સવાલ છે.