Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં વધી રહેલી બેરોજગારીનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ તત્વો બેફામ બન્યા છે. હજારો યુવકોને સરકારી નોકરીની લાલચ આપી પૈસા ખંખેરવામાં આવી રહ્યાં છે. આવા જ એક સરકાર ભરતી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સ્કીલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર નામે ભરતીની ખોટી જાહેરાત આપી યુવાનોને ગેરમાર્ગે દોરી નાણા કમાવવાનો કારસો રચનાર ચાર યુવાનોની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. ચારેય યુવાનોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. આ યુવકોએ ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના નામે 2 જાન્યુઆરી 2020ના રોજ 1000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત આપી હતી. જેમાં ઓફિસ આસિસ્ટન્ટની 460, એકાઉન્ટન્ટની 244, મોનિટરિંગ એન્ડ એવેક્યુશનની 256 અને એમ.આઈ.એસની 283 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
બાદમાં આરોપીઓએ https:://gusdm.org.in વેબસાઇટ બનાવી તેમાં વિદ્યાર્થી પાસેથી અરજી મગાવી હતી, આ બાબતની જાણ ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરને થતા તેઓએ ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ રેકેટમાં ફસાઇને 300થી વધુ ઉમેદવારોએ 55,000થી વધુની રકમ બેન્કમાં ભરી હોવાનું બહાર આવ્યું છે. તમામ આરોપીઓમાં કેવલ ઠક્કર, ધર્મેન્દ્ર રાજગોર, રાજ જોશીએ MCA સુધીનો અભ્યાસ કર્યો છે, જયારે હિતેન્દ્ર ઠાકોરે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ચારેય આરોપીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં પાટણ ખાતે વેબસાઈડ અને સોફ્ટવેર બનાવવાના વ્યસાય સાથે સંકળાયેલા છે.
આ આરોપીઓએ પૈસા કમાવવાના ઉદ્દેશથી ENDURANCE I DOMAINS TECHNOLOGY LLP,MUMBAI પાસેથી ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના ભળતા નામે નવી વેબ સાઇટ http;//www.gusdm.org.બનાવીને ડોમેઈન રજીસ્ટર કરાવ્યા બાદ સર્વર ભાડે રાખ્યું હતું. ઓરિજનલ ડોમેનની જગ્યાએ GUSDMના નામનો ઉપયોગ કરીને ડોમેનથી હોમપેજ બનાવ્યું હતું.