આજથી હોળાષ્ટકની થશે શરૂઆત, જાણો કેમ ન કરવા શુભ કાર્યો

આજથી હોળાષ્ટકની થશે શરૂઆત, જાણો કેમ ન કરવા શુભ કાર્યો
file image

Mysamachar.in-જામનગરઃ

પંચાંગ પ્રમાણે 3 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે, જે સાત દિવસના રહેશે. હોળી પહેલાંના આ દિવસોમાં શુભ કામ કરવાની મનાઈ કરવામાં આવેલી છે.  જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે હોળાષ્ટકના સમયે બધા ગ્રહ અશુભ સ્થિતિમાં રહે છે, તેને લીધે બધા સારા કામ કરવાથી બચવું જોઈએ. આ સંબંધમાં એક બીજી માન્યતા છે કે હિરણ્યકશ્યપે ફાગણ મહિનાના સુદ પક્ષની અષ્ટમી તિથિથી પ્રહલાદને યાતનાઓ (અત્યાચાર) આપવાનું શરૂ કર્યું હતું અને પૂનમની તિથિએ હોળીકાની સાથે અગ્નિમાં બેસાડી દીધો. હોળી પહેલાંના આ આઠ દિવસો સુધી ભક્ત પ્રહલાદને યાતનાઓ સહન કરી હતી, જેને લીધે હોળાષ્ટકમાં શુભ કામ કરવા માટે નિષેધ કરવામાં આવ્યો છે. સોમવાર, 9 માર્ચે હોળીકા દહન થશે અને મંગળવાર, 10 માર્ચે ધૂળેટી ઉજવવામાં આવશે.

ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્ત પ્રહલાદ પર આ બધી યાતનાઓની કોઈ અસર થઈ નહીં. અંતે, હિરણ્યકશ્યપે ફાગણ મહિનાની પૂનમે પોતાની બહેન હોળીકાની સાથે પ્રહલાદને અગ્નિથી બાળવાની યોજના બનાવી. હોળીકાને વરદાન પ્રાપ્ત હતું કે તેને અગ્નિ બાળી નહીં શકે. યોજના પ્રમાણે હોળીકાને અગ્નિમાં બેસવાની તૈયારીઓ કરી અને તેના ખોળામાં પ્રહલાદને બેસાડી દીધો. જોકે, આગમાં બેસવા છતાંય પ્રહલાદને કંઈ ના થયું અને હોળીકા પોતે આ અગ્નિમાં બળી ગઈ. ત્યારથી આ તિથિ પર હોળી ઉજવવાની શરૂઆત થઈ હતી અને એ પહેલાંના આઠ દિવસ સુધી હોળાષ્ટક રહે છે, કારણ કે આ દિવસોમાં પ્રહલાદને યાતનાઓ આપવામાં આવી હતી.