નયારા એનર્જીના ૩૦ કરોડના કોલસા ચોરીમાં એસ્સાર બલ્ક ટર્મિનલનો હાથ

નયારા એનર્જીના ૩૦ કરોડના કોલસા ચોરીમાં એસ્સાર બલ્ક ટર્મિનલનો હાથ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયા નજીક આવેલ એસ્સાર હવે નયારા એનર્જી કંપની દ્વારા સલાયા નજીક બંદરેથી શીપ મારફત કરવામાં આવતા કોલસાની આયાત દરમિયાન એસ્સારના  સ્ટોક યાર્ડમાંથી ૩૦ કરોડના કોલસા ચોરી થયાનું બહાર આવતા એસ્સાર બલ્ક ટર્મિનલ(સલાયા)સર્વિસ લિમિટેડના અધિકારી વગેરેનો હાથ હોવાનું ખૂલતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે,

કોલસા ચોરી કૌભાંડની બહાર આવેલી વિગતો એવી છે કે, ખંભાળિયા નજીક આવેલ નયારા એનર્જી કંપની દ્વારા સલાયા નજીક બંદરેથી શીપ મારફત કોલસાની આયાત કરીને એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા)સર્વિસ લિમિટેડ સાથે કરાર મુજબ નાના માંઢા નજીક આવેલ એસ્સાર કોલ સ્ટોક યાર્ડમાં કોલસો રાખવામાં આવતો હતો,દરમિયાન નયારા એનર્જી કંપનીના મુંબઈથી આવેલા અધિકારીઓએ આ સ્ટોકયાર્ડમાં કોલસાની આવક-જાવકનું ઓડિટ હાથ ધરતા ૬૮૩૮૧ મેટ્રિક ટન એટલે કે ૩૦ કરોડના કોલસાનો ગોટાળો નીકળ્યો હતો અને છેલ્લા એક વર્ષ દરમ્યાન કોલસા ચોરી કે સગેવગે થયો હોવાનું ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું હતું,

આથી નયારા એનર્જી કંપનીના અધિકારી અનિલ વિશ્વંભરમએ એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા) સર્વિસ લિમિટેડના જવાબદાર અધિકારી,કર્મચારી,સિક્યુરિટી ગાર્ડ વગેરે સામે ચોરી કે કોલસાને સગેવગે કરીને ઉચાપત કરી નયારા એનર્જી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની વાડીનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે,

SP રોહન આનંદ શું કહે છે..?

નયારા એનર્જી કંપની સાથે કોલસાની ચોરી અને છેતરપિંડી પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP રોહન આનંદએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નયારા એનર્જી કંપની દ્વારા એસ્સાર બલ્ક ટર્મિનલ(સલાયા)સર્વિસ લિમિટેડ સાથે કરાર કરીને નાના માંઢા ખાતે એસ્સારના કોલ સ્ટોકયાર્ડમાં કોલસો સ્ટોક કરવામાં આવતો હતો, અને બંદરેથી શીપ મારફત કોલસો આયાત કરવામાં આવતો હોય ત્યારે કદાચ આયાતમાં જ કોલસો ઓછો આવતો હોય અથવા ટ્રાન્સપોર્ટ મારફત ગોબાચારી થઈ હોઈ શકે અથવા યાર્ડમાંથી પણ કોલસા ચોરી થયાનું આશંકા આધારે હાલ તો એસ્સાર બલ્ક ટર્મિનલ(સલાયા) લિમિટેડના જવાબદાર અધિકારી સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.