રક્તરંજીત બન્યો હાઇવે, ટ્રક સાથે અથડાતા કાર પડીકું વળી, 4નાં મોત

રક્તરંજીત બન્યો હાઇવે, ટ્રક સાથે અથડાતા કાર પડીકું વળી, 4નાં મોત

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદ ધંધુકા બરવાળા રોડ પર તગડી પાસે કાર ટ્રક પાછળ ઘુસી જતા ગોજારો અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તો અકસ્માત બાદ કારનું પડીકું વળી ગયું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે વહેલી સવારે અમદાવાદ ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર અકસ્માત નીપજ્યો છે. આ અકસ્માત કયા કારણોસર થયો છે તેની હજી જાણ શકાયું નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ગઈકાલે શુક્રવારે રાજ્યમાં વિવિધ સ્થળોએ ત્રણ અકસ્માત થયા હતાં.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચારેય મૃતકો એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં બે સગા ભાઇ અને તેની બંને પત્નીનો સમાવેશ થાય છે. આ પરિવાર સુરતનો છે, જે સુરતથી સાળંગપુર દર્શનાર્થ આવતા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ પરિવારની સાથે તેનો એક ભત્રીજો પણ સાથે હતો, અકસ્માતમાં તેને ગંભીર ઇજા પહોંચી છે. તમામ મૃતકોના મૃતદેહો પીએમ અર્થે ધંધુકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.