તાલિમ દરમિયાન LRD યુવક-યુવતી વચ્ચે પાંગર્યો પ્રેમ, પછી બન્યું એવું કે...

તાલિમ દરમિયાન LRD યુવક-યુવતી વચ્ચે પાંગર્યો પ્રેમ, પછી બન્યું એવું કે...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

અમદાવાદમાં હાલ LRD યુવક-યુવતીએ ભારે ચર્ચા જગાવી છે, બંને પ્રેમમાં અંધ હતા, પરંતુ યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા LRD જવા રોષે ભરાયો હતો, અને યુવતીના સાસરે પહોંચી ધમાલ મચાવી હતી. આ બાબતે LRD યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી 32 વર્ષીય મંજુ (નામ બદલ્યું છે) મહિલા લોક રક્ષક મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ગત 31મી જાન્યુઆરીએ તેના લગ્ન થતા તે સાસરે રહેવા જતી રહી હતી. આ મંજુ જ્યારે તાલિમમાં હતી એ દરમિયાન પ્રતિક (નામ બદલ્યું છે) નામના લોક રક્ષક જવાનના સંપર્કમાં આવી હતી. તાલિમ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ પાંગર્યો હતો. હાલ પ્રતિક ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. મંજુના લગ્ન થઇ જતા પ્રતિક રોષે ભરાયો.

પ્રતિકે મંજુને રસ્તા વચ્ચે રોકીને ધમકી પણ આપી કે જો તેની સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખશે. બાદમાં ગભરાયેલી મંજુએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાદમાં બીજી ફેબ્રુઆરીએ પ્રતિક મંજુના સાસરે જઇને માથાકૂટ કરી હતી. જેથી આસપાસ રહેતા લોકો એકત્રિત થઇ ગયા હતા. એટલું જ નહીં મંજુએ ફરિયાદમાં જણાવ્યું કે સાસરે ધમાલ મચાવનાર પ્રતિકે ગાળો બોલવાથી લઇને મંજુને માથાના ભાગે પથ્થર માર્યો હતો. અંતે કંટાળી મંજુએ પ્રતિક વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ મહિલા LRDની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (અહીં રજૂ કરેલા બંને નામ પ્રતિકાત્મક છે).