Mysamachar.in-જામનગર:
જિલ્લાભરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શહેર અને જીલ્લાની ૬૦૦ જેટલી શાળાઓમાં માટે ૫૪ લાખ જેવી ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવી છે, સરકારની ગાઈડલાઈન મુજબ આ તાલીમ સુરક્ષા સેતુ સોસાયટી મારફત આપવાની અને જો ત્યારબાદ જરૂર પડે તો અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓની મદદ લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે,
પરંતુ જામનગર જીલ્લામાં ગાઈડલાઈન વિરુદ્ધ શાળાઓને તાલીમ આપવા જામનગરમાં લાગતા વળગતાને સર્વ શિક્ષા અભિયાન કચેરીએ કુલડીમાં ગોળ ભાંગીને બારોબારથી તાલીમ આપવાનો ઓર્ડર આપી દેતા શિક્ષણ જગતમાં આ મામલો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને ખાસ કરીને કન્યાઓને તાલીમ આપવાની હોય ત્યારે તાલીમ આપવા માટે મહિલાકોચ ઉપલબ્ધ હોય તો તેમને પ્રાયોરીટી આપવી જોઈએ, અને સુરક્ષા સેતુ સોસાયટીમા હોવા છતાં તેની અવગણના કરી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સર્વે શિક્ષા અભિયાન કચેરી અને અમુક બીઆરસી સીઆરસીએ ચોકઠાં ગોઠવીને આ કારસ્તાન પાર પાડ્યું હોવાનું શિક્ષણજગતમાં ચર્ચાઈ રહ્યું છે.આ બાબતની હાલ તો માત્ર ચર્ચાઓ ચાલી રહી છે પણ આગામી દિવસોમાં આ મામલો નવો રંગ પકડે તો નવાઈ નહિ.