પ્રસંગમાં જતા બે તલાટી મંત્રીને અકસ્માત નડ્યો, બંનેનાં મોત

પ્રસંગમાં જતા બે તલાટી મંત્રીને અકસ્માત નડ્યો, બંનેનાં મોત

Mysamachar.in-સુરેન્દ્રનગરઃ

સુરેન્દ્રનગરના પાટડી પાસે કાર અકસ્માતમાં બે તલાટી કમ મંત્રીના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે બંનેની સાથે કારમાં સવાર એક શિક્ષકને ઇજા પહોંચી છે. કચ્છમાં ફરજ બજાવતા બે તલાટી અને એક શિક્ષક કારમાં સુરેન્દ્રનગરના દસાડા ગામે રહેતા મામાના ઘરે આણાના પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતા. આ દરમિયાન વડગામથી દસાડા વચ્ચે કોયલ માતાના મંદિર પાસે ગાય આડી ઉતરતા કારનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારે બેથી ત્રણ વખત પલટી મારી હતી, જેમાં બંને તલાટીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે શિક્ષકનો ચમત્કારી બચાવ થયો હતો. રોડ પર કાર પલટી મારતા સામેથી આવતા છોટા હાથી વાહન ચાલકે પણ પોતાનું વાહન રોડ નીચે ઉતારી લીધું હતું જેના કારણે તેને સામાન્ય ઇજા પહોંચી હતી. જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને અકસ્માતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.