ડિફેન્સનો દારૂ બારોબાર વેચવા જતા એક આર્મીમેન સહિત બે પકડાયા

ડિફેન્સનો દારૂ બારોબાર વેચવા જતા એક આર્મીમેન સહિત બે પકડાયા
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-દ્વારકાઃ

ગાંધીનગરથી આવેલા દારૂબંધી પર કડક પગલા લેવાના આદેશ બાદ પોલીસ વિભાગ સફાળું જાગ્યું છે. જે અંતર્ગત ખંભાળિયાના દાત્રાણા પાટીયા પાસે  દારૂની 299 બોટલ જેની કિંમત અંદાજે રૂપિયા 1,83,035 થાય છે, સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા બે આરોપીઓમાંથી એક આર્મીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને શખ્સો પાસેથી કુલ રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત પ્રમાણે બાતમીના આધારે દ્વારકા LCB ટીમે કાર લઇને પસાર થઇ રહેલા ભાવનગરનો 24 વર્ષિય હર્ષદ જીવરાજ પરમાર અને પોરબંદરમાં રહેતો મનીષ સોમા મકવાણાની દાત્રાણા પાટીયા પાસે અટકાયત કરી હતી. બાદમાં તલાસી લેતા તેમની પાસેથી ડિફેન્સનો દારૂનો જથ્થો અને અન્ય ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બંને પાસેથી દારૂની 299 બોટલ મળી આવી હતી, આ દારૂની કિંમત 1,83,035 રૂપિયા અને એક કાર સહિત કુલ રૂપિયા  9,96,535ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તેનું પાયલોટિંગ ત્રીજા કોઇ શખ્સ દ્વારા કરાતું હોવાનું પોલીસનું માનવું છે, હાલ પોલીસને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.