Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં બે GSTના અધિકારી અને પટ્ટાવાળો લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાતા ભારે ચર્ચા જાગી છે. બનાવની વિગત પ્રમાણે રાજકોટ ACB ટીમ દ્વારા બે GSTના અધિકારીઓ પર વોચ ગોઠવવામાં આવી હતી, અંગે બંને અધિકારીઓએ GSTનું કામ કરાવવા માટે રૂપિયા 75 હજારની લાંચ માંગી હતી. આ માટે લાંચ સ્વીકારવા માટે સુરેન્દ્રનગરનું સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. જો કે લાંચ આપવાને બદલે જાગૃત નાગરિકે ACBનો સંપર્ક સાધ્યો હતો. જાણ થતા જ ACBની ટીમે છટકું ગોઠવ્યું અને બંને લાંચિયા અધિકારીઓ અને પટ્ટાવાળાને લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા બંને અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. બીજી બાજુ ACBએ જાહેર જનતાને અપીલ કરી છે કે જો આવા લાંચિયા અધિકારીઓનો ભોગ બન્યા હોય અથવા કોઇ લાંચની માગણી કરે તો તુરંત ACBનો સંપર્ક સાધવો.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં GST ઇન્સ્પેક્ટર, વર્ગ-2, રાજીવકુમાર યાદવ, જે સુરેન્દ્રનગર GST ઓફિસમાં ફરજ બજાવે છે, આ જ ઓફિસમાં GST ઇન્સ્પેક્ટર વર્ગ-2 તરીકે ફરજ બજાવતા ગૌરવ અરોરા તથા આ ઓફિસમાં કરાર આધારિક પટ્ટાવાળાની ફરજ બજાવતા રવિ જોષીનો સમાવેશ થાય છે.