Mysamachar.in-રાજકોટઃ
રાજકોટના મેંદરડામાં લગ્ન પ્રસંગ શોકમાં ફેરવાયો છે. અહીં ફૂલેકા દરમિયાન બોલેરોમાં રાખેલા ડીજેના મહાકાય સ્પીકર નીચે બે બાળકો દટાયા હતા.જેમાં રાજકોટના 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક 9 વર્ષનો જેતપુરનો બાળક હાલ સારવાર હેઠળ છે. મેંદરડામાં રહેતાં વાળંદ પરિવારમાં લગ્ન પ્રસંગમાં રાતે ફૂલેકુ નીકળ્યું હતું. જેમાં સગા સંબંધીઓ DJના તાલે નાચી રહ્યાં હતા. આ દરમિયાન બોલેરામાં રાખેલા ડીજેના સ્પીકર કોઇ પતરા સાથે અથડાઇ નીચે પડ્યા હતા. કમનસીબે ડીજેની બાજુમાં ડાંસ કરતાં બે બાળકો 10 વર્ષનો મૌલિક ધામેલીયા તથા 9 વર્ષનો ધ્રુવ ગાલોરીયા સ્પીકર નીચે દટાઇ ગયા હતા. બાદમાં બંને બાળકોને સ્પીકર નીચેથી કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ગંભીર ઇજાને કારણે મૌલિકનું મોત નીપજ્યું હતું. જ્યારે ધ્રુવને ગંભીર ઇજા પહોંચી છે અને તે હાલ સારવાર હેઠળ છે. વ્હાલસોયા પુત્રનું નાની વયે મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે, તો બીજી બાજુ નાની ભૂલને કારણે લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાયો છે. છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગમાં મોટા મોટા ડીજે બોલાવવાનો ક્રેજ વધ્યો છે, જે ખુલ્લા વાહનમાં મોટા અવાજે ગીત વાગતા હોય છે, એવામાં જો સાવધાની રાખવામાં ન આવે તો ગમે તે ઘડીએ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે.