જામનગરની જી.જી હોસ્પિટલમાં દોઢ મહિનામાં તાવનાં નોંધાયા આટલા કેસ..

જામનગરની જી.જી હોસ્પિટલમાં દોઢ મહિનામાં તાવનાં નોંધાયા આટલા કેસ..

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લો તેમજ આસપાસના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ તાવની બીમારીએ અજગર ભરડો લીધો છે, જેમાં ડેન્ગ્યુની બિમારીમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં દોઢ મહિનાના સમયગાળા દરમિયાન જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ત્રણ હજાર થી વધુ તાવની બીમારીના દર્દીઓ નોંધાયા હતાં. જે પૈકી ડેન્ગ્યુના જ ૬૦૦ થી વધુ કેસો નોંધાયા છે. જે પૈકી મોટાભાગના દર્દીઓને સારવાર કરી રજા આપી દેવામાં આવી છે. હાલ 80 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ડેંગ્યુથી ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. જો કે આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યું થી કોઈનું મોત જ નથી..જે  આશ્ચર્ય પમાડે તેવું પણ છે, શહેરમાં સૌપ્રથમ વખત કોંગો ફિવરની બીમારીના બે દર્દીઓ નોંધાયા હતાં. આ બંને દર્દીઓ સાજા થઈ ગયા છે. તેઓને રજા આપી દેવામાં આવી છે. તાજેતરમાં જ કોંગો ફિવરનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

-પ્લેટલેટ ની ઉપાધી
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુની બીમારીના કારણે દાખલ થયેલા દર્દીઓના પ્લેટલેટ ઘટી જાય તો વિનામૂલ્યે સારવાર કરી લોહી ચઢાવવામાં આવે છે. કોઈ ખાનગી હોસ્પિટલમાં એક પ્લાઝમાની બેગના 11,000 રૂપિયા ભાવ છે, અને દર્દીને 4 થી 5 બેગ ચડાવવી પડતી હોય છે, જેથી બહુ મોટો ખર્ચ થાય છે. જ્યારે સરકારી જી. જી. હોસ્પિટલમાં કોઈ ચાર્જ ન હોવાથી દર્દીઓને ખુબ જ રાહત રહે છે. ચાલુ સિઝનમાં 61 દર્દીઓને પ્લેટટલેટ ચડાવવા પડયા હતા. તેઓ તમામ સાજા થઈ ગયા છે અને જી.જી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.