લાવડીયા ગામ નજીક થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

લાવડીયા ગામ નજીક થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક આવેલા લાવડીયા ગામ પાસે ગત શનિવારે રાત્રીના ગામના જ એક યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર ભાનુશાળી સમાજમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. મનીષ ઉર્ફે ધર્મેશ વસંતભાઈ ચાંદ્રા નામનો યુવક જે ઇલેક્ટ્રીકની દુકાન ઉપરાંત ખેતીકામ પણ કરે છે, તે પોતાની વાડીએથી મોટરસાઇકલ પર લીલું ભરીને આવી રહ્યો હતો તે દરમ્યાન બે થી ત્રણ જેટલા અજાણ્યા ઇસમોએ તેના મો પર પથ્થરોના ઘા ઝીકીને હત્યા નિપજાવી હતી, 

આ મામલે સ્થાનિક પોલીસ ઉપરાંત LCB સહિતની ટીમો આ ગુન્હાનો ભેદ ઉકેલવા મથી રહી હતી. જેમાં અંતે LCBને સફળતા મળી છે. પોલીસે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા મુકેશ ભૂરાભાઈ વસના, કોબાન પાનસિંગ રાઠવા અને મોહન અનોભાઈ રાઠવાની દરેડ નજીકથી અટકાયત કરી પૂછપરછ કરતાં આ ત્રણેય ઇસમોએ જ મનીષની લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની કબૂલાત આપી છે,

ખરેખર આ ગેંગનો ટાર્ગેટ અન્ય એક વ્યક્તિ હતો. જેની પાસેથી લૂંટની મોટી રકમ આ ટોળકીને મળી શકે તેમ હતી, પણ રાત્રીના અંધારામાં જે વ્યક્તિને ખરેખર લૂંટવાનો હતો તેને બદલે મનીષ પહેલા પહોંચી જતાં લૂંટારુઑએ મનીષના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તેના કબજામાંથી ૧૨૦૦ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન સહિતની ચીજ-વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા હતા.અંતે પોલીસના સકંજામાં આવી જતાં આ હત્યાનો ખુલાસો થયો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.