Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કહેવત છે કે ઊંટનું મોઢું મારવાડ તરફ તેમ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં થી આવેલ શિક્ષકોની નજર તેમના વતન ભણી જ હોય છે, અને તેવો સતત પોતાના વતનમાં નોકરી મળે જાય તેવા પ્રયાસો કરતા હોય છે, પણ તેવામાં એક શિક્ષક દંપતીએ વિવેકબુદ્ધિને ભૂલી જઈને ગંભીર બીમારીનું શિક્ષક દંપતીએ ખાસ કિસ્સામાં વતનમાં બદલી કરવા માટે બોગસ મેડીકલ સર્ટીનો સહારો તો મેળવ્યો પરંતુ સરકારના શિક્ષણવિભાગમાં ડોક્યુમેન્ટ ખરાઈની પ્રક્રિયામાં આખો ભાંડાફોડ થઇ જતા શિક્ષક દંપતી સામે ગુન્હો નોંધાતા દ્વારકાના શિક્ષણજગતમાં ચકચાર મચી જવા પામી છે,
વાત એવી છે કે દ્વારકા જીલ્લાની ખંભાળિયા તાલુકાની ભાડથર વાડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ મહીસાગર જીલ્લાના વતની કોમલબેન વસંતભાઇ પટેલ અને ખંભાળિયા તાલુકાની જ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેના પતિ પામીનભાઇ ચીમનભાઇ રૂડાણીને પોતાના વતનમાં બદલી ખાસ કિસ્સામાં કરાવવી હોય તે માટે દંપતીએ બીમારીના ખાસ કીસ્સામાં તેમના વતનમા બદલી કરવા માટે બંને સાથે મળી બંનેની જીલ્લા બદલી કરાવવાના એક કાવતરું ઘડ્યું હતું, અને અને શિક્ષિકા કોમલબેનને કીડનીની ગંભીર બીમારી હોવાનું ઈન્સ્ટીટયુટ ઓડ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ હોસ્પીટલનુ ખોટુ સર્ટીફીકેટ બનાવી અને બદલી કરાવવાનો પ્રયાસ કર્યો હતો,
પણ જયારે આ પ્રકારના ખાસ કિસ્સાઓમાં બદલી હોય ત્યારે ગાંધીનગર શિક્ષણનિયામકની કચેરી દ્વારા આપવામાં આવેલ આધારોની ચકાસણી કરવામાં આવતી હોય છે, આ દંપતીની અરજી પણ ગાંધીનગર પહોચ્યા બાદ ગાંધીનગર કચેરી દ્વારા આ મામલે જરૂરી ખરાઈ કરવામાં આવતા રજુ કરવામાં આવેલ ગંભીર બીમારીનું સર્ટીફીકેટ ડુપ્લીકેટ હોવાનું સામે આવતા વડીકચેરીએ દ્વારકા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને આ દંપતી સામે બોગસ ડોક્યુમેન્ટ, ગુનાહિત કાવતરું, સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવાનો આદેશ કરતા ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રણમલ કરમુર દ્વારા દંપતી સામે ખંભાળિયા પોલીસમથકમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.