Mysamachar.in-રાજકોટઃ
આજે બાળકોથી લઇને મોટેરાઓ તમામ પાસે મોબાઇલ આવી ગયા છે. મોબાઇલથી અનેક કામ ઝડપી બની ગયા છે, તો આજે મોબાઇલ લોકોનું અભિન્ન અંગ પણ બની ગયું છે. જેમ જેમ મોબાઇલ વધ્યા તેમ તેમ તેની ચોરીની ઘટનાઓ પણ વધી ગઇ. મોબાઇલ ચોરી કે ગુમ થવાની ફરિયાદો નોંધાવાનું પણ વધી ગયું. જો કે કહેવાય છે કે ચોરી કે ગુમ થયેલો મોબાઇલ પરત આવવાના ચાન્સ ખુબ ઓછા છે. પરંતુ પોલીસની સક્રિયતાને લીધે અનેક મોબાઇલ પરત આવી જાય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે અંદાજે 16 લાખની કિંમતના 111 મોબાઈલ શોધી મૂળ માલિકને સોંપ્યા હતા. જે તે સમયે ગુમ થયેલા મોબાઇલની ફરિયાદ નોંધાવનાર વ્યક્તિને ટપાલ મારફતે પોતાનો ફોન લઇ જવા પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મોબાઇલ માલિક દ્વારા પોતાનો જ મોબાઇલ છે તેવા પૂરાવા આપી મોબાઇલ મેળવ્યા હતા. અંદાજે 16 લાખની કિંમતના 111 મોબાઈલ રાજકોટ SP બલરામ મીણાના હાથથી મોબાઇલના માલિકને આપવામાં આવ્યા છે. SP બલરામ મીણાએ આ અંગે જણાવ્યું કહ્યું હતું કે, બિલ વગરના મોબાઈલ ન લેવા અને જો કોઈ બિનવારસી મોબાઈલ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જોઇએ. મોબાઇલ પરત મેળવ્યા બાદ લોકોનું કહેવું છે કે અમે તો આશા પણ મૂકી દીધી હતી, પરંતુ અંતે મોબાઇલ પરત મળ્યો તેનો આનંદ છે.