Mysamachar.in-જામનગરઃ
દેશમાં ભલે બેટી બચાવો, બેટી પઢાવોના અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે, પરંતુ વરવી વાસ્તવિક્તા તો એવી છે કે બંધ બારણા પાછળ માસુમ દીકરી જરાય સુરક્ષીત નથી, જામનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને કદાચ તમારા મોઢામાંથી ફિટકારની લાગણી જરૂર વરસી શકે છે. શહેરની ભાગોળે આવેલા એક ગામમાં નરાધમ પિતાએ જ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું, એટલું જ નહીં દુષ્કર્મ દરમિયાન સગીરા ગર્ભવતી પણ થઇ. સૌપ્રથમ તો સમગ્ર મામલે સગીરાએ પોતાના મોટાબાપુના દિકરાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી તે જાણી પોલીસ અધિકારીઓ પણ સમસમી ઉઠ્યા હતા.
બનાવની વિગત એવી છે કે આશરે બે મહિના પહેલા જામનગર નજીક આવેલા ધુંવાવ ગામની એક સગીરાએ પંચકોશી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના મોટાબાપુના દીકરા એટલે કે પિતરાઇ ભાઇએ તેણી પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો, પોલીસે સગીરાની ફરિયાદના આધારે તુરંત આરોપી યુવકની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી પરંતુ સગીરાના ગર્ભમાં જે બાળક હતું કે આરોપી યુવકનું નહતું. કારણ કે યુવકનો ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ જાણી પોલીસની ટીમ પણ ચોંકી ગઇ કે જો આરોપી યુવકનો ડીએનએ નેગેટિવ છે તો સગીરાના પેટમાં જે બાળક છે તે કોનું છે ?. આથી પોલીસે બીજી યુક્તિ અજમાવી અને યુવતીને સમજાવી પોતાની રીતે પુછપરછ હાથ ધરી. જે પછી સગીરાએ જે હકીકત જણાવી તે જાણી પોલીસ અધિકારીઓના પગ નીચેથી જમીન ખસી ગઇ.
પોલીસની પુછપરછમાં સગીરાએ એક પછી એક ઘટસ્ફોટ કર્યા, સગીરાએ જણાવ્યું કે તેનો પિતરાઇ ભાઇ દુષ્કર્મ આચરતો હતો એ તેણીના પિતા જોઇ ગયા, ભાઇને ઠપકો આપવાને બદલે પિતાએ ખુદ સગી દીકરી પર નજર બગાડી, બાદમાં નરાધમ પિતાએ અવાર નવાર સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું. બાદમાં પોલીસે સગીરાના પિતાની અટકાયત કરી સૌપ્રથમ ડીએનએ ટેસ્ટ કરાવ્યો, આ ડીએનએ રિપોર્ટ પોઝીટીવ આવતા પંચકોશી એ ડિવિઝન પોલીસે સગીરાના પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ સમગ્ર ઘટનાથી લોકોમાં આરોપી પિતા પર ફિટકારની લાગણી વરસી રહી છે.