શું ઓનલાઇન મળે છે દારૂ બનાવવાનો સામાન ?

શું ઓનલાઇન મળે છે દારૂ બનાવવાનો સામાન ?

Mysamachar.in-મોરબીઃ

સામાન્ય રીતે પોલીસથી બચવા માટે બૂટલેગરો દ્વારા દારૂ છૂપાવવા માટે અનોખી રીત અપનાવતા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તો દારૂ બનાવવા માટે બૂટલેગરો અનોખી રીત અપનાવી હોવાનું સામે આવ્યું છે. મોરબીના હરિપર ગામ નજીકથી ગેરકાયદેસર ઇલેક્ટ્રિક જોડાણ લઇ દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઇ છે. માળિયા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી 2000 લીટર આથો અને ઇલેક્ટ્રિકના સાધનો તેમજ એક બાઇક જપ્ત કર્યું છે. 

ઓનલાઇન મગાવ્યો હતો સામાન

બાતમીના આધારે પોલીસ ટીમે હરીપર ગામ નજીક દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર રેડ કરી હતી, ત્યારે બૂટલેગર ઇસમતઅલી ઉર્ફે ઇસ્માઇલ મોવર અને તેના સગા કાકાજી સસરા દિલાવર જામની ધરપકડ કરી હતી, સાથે જ સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો 2000 લીટર, સળેલો ગોળ તથા ભઠ્ઠીના સાધનો ઇલેક્ટ્રીક વાયર તથા એક ટૂ વ્હીલર સહિત કુલ 28,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે નવાઇની વાત તો એ છે કે આ શખ્સો દ્વારા દેશી દારૂના આથામાંથી ગરમ અને ઠંડો આથો તાત્કાલિક તૈયાર કરી શકાય તે માટે એમેઝોન ઓનલાઇન એપ પરથી અર્થિંગ પ્લેટ તથા હીટરની ખરીદી કરવામાં આવી હતી. આરોપીઓએ પાંચસો મીટર દૂરથી પસાર થતી ઇલેક્ટ્રીક લાઇનના થાંભલામાંથી લંગર નાખી વીજ ક્નેક્શન મેળવી દેશી દારુની ભઠ્ઠી ચાલુ કરી હતી. એટલું જ નહીં કુલીંગ માટેની સિસ્ટમ ફીટ કરી આથો ઠંડો થઇ જાય તેવી વ્યવસ્થા કરી આધુનિક ઢબથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ છેલ્લા બે દિવસથી જ આ ભઠ્ઠી ચાલુ કરી હતી!.