જામનગરની પાણીની સમસ્યા થશે હળવી, ૫૧ કિમી ની પાઈપલાઈનનું કામ પૂર્ણતાના આરે..

જામનગરની પાણીની સમસ્યા થશે હળવી, ૫૧ કિમી ની પાઈપલાઈનનું કામ પૂર્ણતાના આરે..

mysamachar.in-જામનગર

જામનગર શહેર જીલ્લા પર આ વર્ષ જાણે કુદરત રૂઠ્યો હોય તેમ અપૂરતો વરસાદ થતા લોકોમાં અત્યારથી જ ચિંતા ઉભી થઇ છે,એવામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા દાવો કરાયો છે કે આવતા વર્ષ સુધી પાણી ને લઈને કોઈ તકલીફ શહેરીજનો ને ભોગવવી નહિ પડે,

રણજીતસાગર ડેમ આ માસના અંતે ખાલી થઇ જશે ત્યારે મુખ્ય આધાર દૈનિક પાણી માટે નર્મદા બનશે કારણે કે રણજીતસાગર ઉપરાંત જે પાણીની ઘટ ઉભી થશે તેને પહોચી વળવા નર્મદા જ એકમાત્ર આધાર બનશે,પણ તેની સાથે સાથે જ રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર ના સહયોગથી અમૃત યોજના હેઠળ આજી-૩ ડેમથી ખીજડીયા ફિલ્ટરેશન પ્લાન્ટ સુધી  ૫૧ કિલોમીટર લાંબી પાણીની પાઈપલાઈનનું કામ અંતિમ તબક્કામાં છે,અને તે કામ ટૂંકસમયમાં જ પૂર્ણ થતાની સાથે જ શહેરની પાણી વિતરણ વ્યવસ્થાને મોટો ફાયદો થશે તેમ વોટરવર્કસના કાર્યપાલક ઈજનેર ડી.એચ.છત્રાળા અને નાયબ ઈજનેર પી.સી.બોખાણીએ માયસમાચાર ને જણાવ્યું હતું,૬૪.૬૧ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ આ પાઈપલાઈન ચાલુ થઇ જતા હાલમાં જે પાણી આજી ૩ ડેમથી ઓટાળા અને ઓટાળા થી પાણી પુરવઠા બોર્ડ અને નર્મદાની પાઈપલાઈન મારફત જમાનગર સુધી પહોચે છે,તે પાણી હાલ ૨૫ એમએલડી જેટલું જ મેળવી શકાય છે,ત્યારે આ લાઈનનું મહત્વપૂર્ણ કામ પૂર્ણ થતા જ આજી ૩ ડેમથી સીધું જ પાણી જામનગર ખીજડીયા ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે પહોચશે અને તેના જથ્થામાં પણ વધારો થશે,

હાલ જે પાણી ૨૫ એમએલડી મળે છે તેને બદલે આ લાઈન શરૂ થતાની સાથે જ જામનગરને ૪૦ એમએલડી સુધીનું પાણી સીધું જ મેળવવું હોય તો મળી શકશે.અને જામનગર મનપા ને જે રીતે મોટાભાગે નર્મદા ના નીર પર આધાર રાખવો પડે છે તે રાખવા નો વારો નહિ આવે અને શહેરની પાણીની સમસ્યા મહદઅંશે હળવી બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.