Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં કેટલીય શાળાઓ એવી છે જે બાંધકામ સહિતના તમામ નિયમોને નેવેમુકીને શાળાઓ ચલાવી રહી છે, વાલીઓ પાસેથી તગડી ફી તો લેવી છે, પણ સુવિધાઓ તો કાઈ આપવી નથી.. છતાં પણ આવી શાળાઓને ખુલ્લી પાડનાર કે રોકનાર ટોકનાર કોઈ નથી..નથી મહાનગરપાલિકા કે નથી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી…આ તમામ વચ્ચે શહેરના વોર્ડ નંબર ૧૬ માં પણ આવી કેટલીક શાળાઓ બેરોકટોક પોતાની હાટડીઓ ચલાવી રહી છે, એવામાં આજે મનપાના વોર્ડ નંબર ૧૬ ના કોંગી કોર્પોરેટર યુસુફ ખફી સહિતની કોંગ્રેસની ટીમે તેના જ વોર્ડમાં આવેલ રોયલ સ્કુલ ખાતે જનતા રેડ કરી હતી,
કોર્પોરેટર નો આક્ષેપ છે કે કોઈ ચોક્કસ વ્યક્તિઓની મીઠી નજર હેઠળ તેમના વિસ્તારમાં આવેલ રોયલ સ્કુલના સંચાલકો દ્વારા ઉપરના માળે કોઈપણ જાતની મંજુરી વિના પતરાવાળા ચાર રૂમ બનાવી વાલીઓને અંધારામાં રાખીને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યો છે, શાળાના ગેરકાયદેસર દબાણ અંગે મનપાની ટીપીઓ શાખા દ્વારા જરૂરી નોટીસો પણ શાળાને આપવામાં આવી હોવા છતાં પણ આ ગેરકાયદેસર બાંધકામ આજની તારીખે પણ હયાત હોય આજે કોંગી કોર્પોરેટર સહિતની ટીમે અહી જનતારેડ કરી ને આ મામલે હોબાળો મચાવી દીધો હતો અને શાળા સામે તાકીદે પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી.વધુમાં શાળામાં ફાયર સેફટી અંગેની ચોક્કસ સુવિધાઓ ના હોવાનું પણ સામે આવી રહ્યું છે.જો કે મીડિયા દ્વારા શાળા સંચાલકની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને બધું જ યોગ્ય રીતે ચાલતું હોવાનું જણાવ્યું..હવે સાચું શું તે તો આ શાળામાં લગત વિભાગો દ્વારા તપાસ થાય તો જ સામે આવશે.