પાટીદારોના ગઢ જામજોધપુરમાં કોંગ્રેસ તરફી વાગ્યો વિજયનો શંખનાદ

પાટીદારોના ગઢ જામજોધપુરમાં કોંગ્રેસ તરફી વાગ્યો વિજયનો શંખનાદ

Mysamachar.in-જામનગર:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા, ભાણવડમાં કોંગ્રેસની જાહેરસભાઑમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાને જંગી લીડ સાથે વિજય બનાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યા બાદ પાટીદારના ગઢ સમાન જામજોધપુર અને લાલપુર ખાતે પણ જંગી જાહેરસભામાં  હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સભામંડપનો સામિયાણો ટૂંકો પડ્યો હતો, ત્યારે વિશાળ જનમેદની વચ્ચે આ વિસ્તારમાંથી પણ ૭ વિધાનસભા બેઠકો કરતા કોંગ્રેસને સૌથી વધુ લીડને ખાતરી આપવામાં આવી હતી,

જામજોધપુર ખાતે ગઈકાલે કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સાથોસાથ જંગી જાહેરસભા પણ યોજવામાં આવી હતી જેમાં ગામેગામથી સરપંચો આગેવાનો,કાર્યકરો ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં જોડાઈને જામજોધપુર વિસ્તારમાંથી જંગી મતદાન કરવાનું વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.દરમ્યાન જામનગર જિલ્લા પંચાયતના પૂર્વસદસ્ય ભીમજીભાઈ રાઠોડ, જામજોધપુર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ વીરાભાઇ ચાવડા, વેજાભાઈ મકવાણા સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા અને બે દિવસ અગાઉ કોંગ્રેસ છોડીને કેન્દ્રીય મંત્રી રૂપાલાના હસ્તે ખેસ ધારણ કરીને ભાજપમાં ગયેલા ભાવેશ સોરઠીયા પરત કોંગ્રેસમાં ફરતા આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરીને આવકાર આપ્યો હતો,સભા પૂર્ણ થયા બાદ જામજોધપુરમા પાકવીમામાં થયેલ અન્યાય પ્રશ્ને સભા સ્થળથી કોંગ્રેસના આગેવાનો,ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને રોષ ઠાલવ્યો હતો,

આ સભામાં દિલ્હીથી કોંગ્રેસના ડેલીગેટ તરીકે અજીત તોનગડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ છે. ત્યારે હું રાહુલ ગાંધીનો સંદેશ લઈને આવ્યો છું કે  જાતિવાદ, ધર્મના ભેદભાવ વગેરે ભૂલીને ભારતની એકતા અને અખંડિતતા ટકાવી રાખવા માટે જંગી મતદાન કરજો અને કોંગ્રેસને મત આપીને યુવાનો, ખેડૂતો, વેપારીઓ બધા મળીને તમારી સરકાર બનાવો એ જ કોંગ્રેસનું લોકશાહી બચાવવા માટેનું સ્વપ્ન છે,

જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય હેમતભાઈ ખવાએ પણ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં ખેત પેદાશોના ભાવ,પાકવીમો, અને છેલ્લે પ્રમોલગેશનના નામે ખેડૂતોને છેતરી ગયા તેનો જવાબ આગામી તારીખ ૨૩ રોજ જંગી મતદાન કરીને આપજો, તે વાત પર ભાર મૂક્યો હતો,જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ૨૩ વર્ષના ભાજપના શાસન સામે અને કેન્દ્રમાં મોદીના ૫ વર્ષના શાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ભાજપના હીટલરશાહી શાસનના કારણે પ્રજા દ્વારા વિવિધ પ્રશ્નો માટે કરાતા આંદોલનને દબાવી દેવામાં આવે છે અને ન્યાય મેળવવા માટે અદાલતમાં જવું પડે છે, જેથી જનતામાં જબરો આક્રોશ છે.આ આક્રોશની એક થપાટ ભાજપને ૨૦૧૫ના તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લાગી હતી અને બીજી થપાટ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ મારી હતી, ત્યારે ૨૦૧૯મા બરાબરની કચકચાવીને થપાટ મારવાની આ તકને ઝડપી લેવા જામજોધપુરની જનતાને આહવાન કર્યું હતુ,

કાલાવડ ધારાસભ્ય પ્રવિણ મુછડીયા પણ વિશાળ જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, ભાજપ સામે આક્રોશની આંધી ઉઠી છે, તેને કોઈ રોકી નહી શકે, જનતા જવાબ આપી રહી છે. ત્યારે મુળુભાઈનો વિજય નિશ્ચિત છે, કોંગ્રેસ આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે જામજોધપુરની પ્રજા પણ આક્રોશ બતાવી જંગી મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા કહ્યું,

જામજોધપુર વિસ્તારના ખેડૂત આગેવાન રસિક જોષીએ પણ ભાજપના શાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો અને GSTએ ખેડૂતોને પણ ન છોડ્યા, ખેત ઓજારો પર ટેકસનુ ભારણ નાખીને ખેડૂત વિરોધી શાસન પુરવાર કર્યું છે,જ્યારે જામનગર જિલ્લામાં અને જામજોધપુર, લાલપુર વિસ્તારમાં જમીન માપણીને લઈને ભાજપે ઘરે-ઘરે જગડા કરાવ્યા છે,તેવા આક્ષેપ સાથે આ જમીન માપણી ખેડૂતોના હિતમાં રદ કરવી જોઈએ તે સાથે જિલ્લા પંચાયતના સદસ્ય નાથાભાઈ ગાગલીયાએ પણ ભાજપની નીતિરીતિ સામે આક્રોશ ઠાલવ્યો હતો,

જામજોધપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં યોજાયેલ જંગી જાહેર સભાના યજમાનપદે રહેલા ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પણ સંબોધનની શરૂઆત એવી કરી કે, હું નહીં પરંતુ જામજોધપુર અને  લાલપુર વિસ્તારની તમામ પ્રજા ધારાસભ્ય છે અને હવે આ વિસ્તારની પ્રજા સંસદસભ્ય પણ બનશે તે સાથે મંચ પર તમામ દિગ્ગજ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ખાતરી આપી હતી કે, હાલારની ૭ વિધાનસભા બેઠકો કરતા મુળુભાઇ કંડોરીયાને સૌથી વધુ લીડ જામજોધપુરમાંથી આપવાની ખાતરી પણ કાલરીયાએ આપી અને ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં બહુમત સાથે શાસનમાં આવતા વચન પાડીને ૧૦ દિવસમાં ખેડૂતોનુ કરજ માફ કર્યું છે અને ૨૦૧૪માં ભાજપ દેવામાફીનું વચન આપીને ખેડૂત વર્ગ મતો લઈને છેતરપિંડી આચરી છે, તેનો જવાબ આવનાર ચુંટણીમાં જનતા આપશે,ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમએ પણ સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને જણાવ્યું હતું કે,જામજોધપુર તાલુકામાંથી સૌથી વધુ લીડ આપવાની ખાતરી ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ આપી છે, તે ધ્યાને રાખીને તમારા ધારાસભ્યની ઈજ્જત જાળવી રાખી જંગી મતદાન કરશો અને પાકિસ્તાનમાં નહીં પરંતુ કોંગ્રેસનો વિજય થશે,ત્યારે જામજોધપુરની બજારમાં ફટાકડા ફુટશે તે પુરવાર કરીને ભાજપને લલકાર ફેકયો હતો,

જ્યારે લાલપુરની સભામાં ડી.કો.બેન્ક જામનગરના ચેરમેન અશોક લાલ પણ હાજર રહીને જણાવ્યુ હતું કે લાલપુર તાલુકો હંમેશા જાગૃત રહ્યો છે. એક-એક ગામમાં નેતા છે, તેવામાં લાલપુર તાલુકાને ૧૬% વીમો જાહેર કરીને અન્યાય કર્યો છે, આ અન્યાયનો જવાબ ૨૩ તારીખે મતદાન કરીને આપજો, કારણ કે દેશમાં કોંગ્રેસની સરકાર આવે છે તે નિશ્ચિત છે.

આમ, જામજોધપુર અને લાલપુર ખાતે યોજાયેલ કોંગ્રેસની સભામાં ગામેગામથી લોકો ઉમટી પડ્યા હતા, ત્યારે આ સભામાં જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ કાલરીયા, મેરગભાઈ ચાવડા, જયદીપભાઇ મોરી, હિરેનભાઈ ખાંટ,  પાલાભાઇ આંબલીયા, અમિતભાઈ બોદર, હરદાસભાઈ ખવા પૂર્વ કાનૂન મંત્રી એમ.કે.બ્લોચ, કાંતિભાઈ નકુમ, ડી.કો.બેન્ક જામનગરના MD જીવણભાઈ કુંભાવડીયા, આહીર સમાજના અગ્રણી અને પીઢ કોંગ્રેસના રાજકીય નેતા ભીખુભાઈ વારોતરીયા સહિત કોંગ્રેસના આગેવાનો, સરપંચો, કાર્યકરો, કોંગ્રેસના હોદેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડતા આ કોંગ્રેસ જંગી જાહેરસભાની ધાર્યા કરતા ખૂબ મોટી સફળતા મળી હતી,

પાકવીમા પ્રશ્ને જામજોધપુર પ્રજાની લડતમાં તેમની સાથે છું: મુળુભાઇ કંડોરીયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને જબરુ લોકસમર્થન મળી રહ્યું છે, જે તેમની જંગી જાહેરસભા પરથી અંદાજ આવી જાય છે. જ્યારે જામનગર જિલ્લામાં પણ ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસ તરફી અંડરકરંટ વાતાવરણ જોવા મળી રહ્યું છે, ગામેગામ કોંગ્રેસનાં સમર્થનમાં યોજાતી જાહેરસભાઓમાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને પરીવર્તન કરવાનું મન બનાવીને કોંગ્રેસને મત આપી ગરીબોની સરકાર, ખેડૂતોની સરકાર બનાવવા માટે જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે,

ત્યારે જામજોધપુર અને લાલપુરની જંગી જાહેરસભામાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, તો મુળુભાઇ કંડોરીયાએ પણ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૩ સુધી મારા જામીન પડજો, પછીના પાંચ વર્ષ વ્યાજ સાથે વળતર આપીને તમારી સેવા કરતો રહીશ અને હું નહીં પરંતુ સમગ્ર જનતા સાંસદ હશે, તેવી ટકોર કરીને વધુમાં જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. ખેડૂતોને આજે લડત કરવી પડે છે.ત્યારે પાકવીમા પ્રશ્ને જામજોધપુર પ્રજાની આ લડતમાં ખેડૂતપુત્ર હોવાથી તમારી સાથે છું અને કાયમી રહીશ તેવું વચન પણ આપ્યું હતું,

આવતીકાલે હાર્દિક પટેલ પાટીદારના ગઢ કાલાવડમાં જાહેરસભા ગજવશે

પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા અને ભાજપ સરકારને પસીના છોડાવનાર હાર્દિક પટેલ તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આવતીકાલે તા.૧૪ના રોજ પાટીદારોના ગઢ એવા કાલાવડ ખાતે સવારે ૯.૩૦ કલાકે અને સાંજે ૪ કલાકે ધ્રોલના લતીપુર ખાતે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં યોજાનાર જંગી જાહેરસભા ગજવશે. આ સભા માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હાર્દિક પટેલની આ સભાને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

લાલપુર સભામાં યુવાનો અને આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો

જામજોધપુરમા કોંગ્રેસની જંગી જાહેરસભામાં મોટી સંખ્યામાં આગેવાનો કોંગ્રેસમાં જોડાયા બાદ લાલપુર ખાતે સભા દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના હસ્તે ખેસ ધારણ કરીને દિપકભાઈ ભાલોડીયા, માનસંગભાઈ ગોહિલ, રમેશભાઈ ચૌહાણ, નવી પીપર ગામના દિલિપભાઈ વારા, હસમુખભાઈ વારા,દેવીપૂજક સમાજના આગેવાન ડાયાભાઈ વાઘેલા, ઈસ્માઈલભાઈ બેચારભાઈ અને ભાજપને છોડીને લાલજીભાઈ પરમારે કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે જામજોધપુર અને લાલપુર વિસ્તારમાં ભાજપને ફટકો પડ્યો છે અને કોંગ્રેસ તરફી વાતાવરણ તેજ બન્યું છે.