સ્વચ્છતાના અભાવથી પ્રદુષણના ભરડામાં હાલાર...

સ્વચ્છતાના અભાવથી પ્રદુષણના ભરડામાં હાલાર...

Mysamachar.in-જામનગર:

નાગરીકોને સ્વચ્છ પર્યાવરણ પુરૂ પાડવાની તંત્રની જવાબદારી હોવા છતાં ગ્રામ્ય અને શહેરી એમ તમામ વિસ્તારો સતત પ્રદુષણના ભરડામાં જ છે,જે માટે સ્વચ્છતાના અભાવથી ઠેર-ઠેર થતી ગંદકી,લીકેજ અને ઢોરના ઉપદ્રવ કારણભૂત છે,જેના કારણે જંતુ પ્રકોપ કાયમ ઘર કરી ગયુ છે,જમીન-પાણી અને હવાનું શુઘ્ધીકરણ જળવાય તે તો ફરજીયાત છે,જે માટે પાણી પુરવઠા બોર્ડ,આરોગ્ય તંત્ર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સતત દોડતુ રહેવુ જોઇએ પરંતુ તેવુ થતુ નથી,

શહેર અને જિલ્લાના તમામ મુખ્ય માર્ગો અને આંતરીક માર્ગો રોજ સ્વચ્છ થતા જ નથી,ગંદા પાણીના નિયમીત યોગ્ય નિકાલ થતા જ નથી,દવા છંટકાવ થતા નથી,સ્વચ્છતા માટે લોકોને સતત જાગૃત રખાતા નથી,ઠેર-ઠેર એકઠા થતા કચરા-કોહવાતા કચરા-રસાયણો સહિતના તમામ હોટલ વેસ્ટ,ઇવેલ,ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટ,એનીમલ વેસ્ટ,સોલીડ વેસ્ટ,વોટર વેસ્ટ પ્રોડકશન વેસ્ટના નિયમીત રીતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવતા ન હોય આ વેસ્ટના કારણે હવા પ્રદુષીત થાય છે,જમીન,પાણી પ્રદુષીત થાય છે,અને જુદા જુદા પ્રકારના જંતુઓના પ્રકોપ વધતા રહે છે.

જન આરોગ્યની સૌથી પ્રથમ જવાબદારી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ઉપર છે,તેણે એક તો પીવાનું પાણી લોકોને ચોખ્ખુ મળે છે કે કેમ અને ગંદા પાણીના યોગ્ય નિકાલ થાય છે કે કેમ?તે સતત જોવાનું છે તે થતુ નથી (નાગરીકો આ વિભાગની જવાબદારી અંગે અજાણ છે) તેવી જ રીતે તંદુરસ્ત રહેવા,જંતુ પ્રકોપથી કેમ બચવુ તે માટે લોક જાગૃતિ કેળવવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે,તો તે કામગીરી જામ્યુકોથી માંડી પંચાયત કે સુધરાઇ આરોગ્ય સારી રીતે કરી શકતુ જ નથી,તેની સાથે હવા-પાણી-જમીનની શુદ્ધતા અંગે નિયમીત મોનીટરીંગ કરી એલાર્મ વગાડવાની જેની જવાબદારી છે,તે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તો ફરિયાદો આવે ત્યારે માંડ-માંડ સળવળે છે.


જન આરોગ્યનો આંક રોજ નબળો પડે છે
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગત વર્ષે જોઇએ તો રોજની બે હજારની ઓપીડી રહેતી હતી,તે આ વર્ષે સાડાત્રણ હજારની રોજની સંખ્યાએ પહોંચી છે,તે શું દર્શાવે છે?એક તો સતત ઉડતી ધુળ જેમાં સાથે ઉડતા જંતુ જે રોગ કરે છે,સતત વધી રહેલા વાહનો, કારખાના વગેરેના ધુમાડા,કોહવાતા કચરા અને ઢોરની ગંદકીથી ફેલાતા મચ્છર-માખી સહિતના રોગકારક જંતુઓના કારણે જના આરોગ્ય નબળુ પડી રહ્યું છે,અને આ તો સરકારી હોસ્પિટલ તે સિવાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સુધરાઇ મીની ડીસ્પેન્સરીઓ અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જ થતો રહે છે,


હવા-પાણી-જમીનની શુદ્ધતા જાળવો:લોકોને જાગૃત કરો 

જાણકારોના મતે પ્રથમ તો લોકોને વ્યકિતગત,કૌટુંબીક અને ઘરની ચોખ્ખાઇ માટે જાગૃત કરો,ગટરના લીકેજ તુરંત બંધ કરાવો,ખોરાક શુદ્ધ ખવાય-ઢાંકેલો રખાય- ભેળસેળ વાળા ન વેચાય તેની કાળજી લેવડાવો,પીવાના પાણીનો વપરાશ લોકો શુદ્ધ સોર્સ નો જ કરે તે માટે આગ્રહ રખાવો,વાહનોના ધુમાડા નિયમીત કરાવવા જે કરવુ ઘટે તે કરાવો,હવા-પાણીના સતત મોનીટરીંગ કરાવો,ઢોર નિયંત્રણ કરાયો અને એકંદર પ્રદુષણ નિયંત્રણ રહે તેમજ જંતુ નાશ થાય તેની ગંભીરતા લેવી જરૂરી છે.