Mysamachar.in-ગાંધીનગરઃ
દેશના વડાપ્રધાનથી લઇને ગૃહમંત્રી પણ ગુજરાતના છે, દેશમાં વિકાસની વાત આવે એટલે સત્તાધારી પક્ષ દ્વારા ગુજરાત મોડેલનું ઉદાહરણ આપવામાં આવે છે, પરંતુ કેન્દ્રનો એક એવો રિપોર્ટ આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની પોલ ખુલી ગઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે પ્રથમ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ (જીજીઆઇ) અને એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસે આ રિપોર્ટ જાહેર કર્યો છે. જેના રેન્કિંગમાં ટોચના 10 મોટા રાજ્યોમાં ગુજરાતને છઠ્ઠો રેન્ક પ્રાપ્ત થયો છે. ત્યારે વિકાસ મોડેલ ગણાતા ગુજરાતે હવે અન્ય રાજ્યમાંથી પ્રેરણા લેવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હોવાનો દાવો કેન્દ્રનો આ રિપોર્ટ કરી રહ્યો છે. કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે આરોગ્ય, પર્યાવરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કુલ 10 વિવિધ શ્રેણીમાંથી 9 શ્રેણીમાં રેન્કિગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 9માંથી પાંચ શ્રેણીમાં ગુજરાત ટોપ-10માંથી બહાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાની શ્રેણીમાં તમિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે છે. પણ કૃષિ, આરોગ્ય, ન્યાયિક અને જાહેર સલામતી તથા પર્યાવરણમાં ગુજરાત 11મા ક્રમે તો સોશિયલ વેલફેરમાં ગુજરાત 12મા ક્રમે છે.
તમામ 10 શ્રેણીને આવરી લેતા ગુડ ગવર્નન્સના ઑવરઓલ રેન્કિગમાં ટોચના ક્રમે તામિલનાડુ છે જ્યારે એ પછીના ક્રમે મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. જ્યારે છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ પછી છઠ્ઠા ક્રમે ગુજરાત છે. રેન્કિગમાં તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને મોટા રાજ્યો, ઉત્તર-પૂર્વના રાજ્યો, પર્વતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ ટોચના ક્રમે છે. જ્યારે કેન્દ્રશાસિત રાજ્યોમાં પોંડિચેરી ટોચના ક્રમે છે. કૃષિમાં મધ્ય પ્રદેશ ટોચના સ્થાને છે. વાણિજ્ય અને ઉદ્યોગમાં ઝારખંડ ટોચના ક્રમે છે. માનવ સંસાધન વિકાસમાં ગોવા તો આરોગ્યમાં કેરળ ટોચે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તામિલનાડુ તો આર્થિક વહીવટમાં કેરળ, સામાજિક વિકાસમાં છત્તીસગઢ અને ન્યાયિક અને જાહેર સલામતીમાં તામિલનાડુ મોખરે છે. પર્યાવરણમાં પશ્ચિમ બંગાળની કામગીરી ઉત્તમ છે.
આ રિપોર્ટમાં ગુજરાતનું સ્થાન મોખરે ન રહેવા પાછળના અંદાજીત કારણોમાં રાજ્ય સરકારે મોટી યોજનાઓ તો ઘડી છે પણ તેનો ચુસ્ત અમલ થતો નથી. ગ્રાઉન્ડ લેવલે અસરકારક વહીવટ માટે કર્મચારીઓ-અધિકારીઓની મોટી ઘટ છે. શિક્ષકો, તબીબો સહિતની સુવિધાઓ માટે કર્મચારીઓ અપૂરતા છે. સિટીઝન ચાર્ટર માટે કાયદો છે પણ સમયમર્યાદામાં કામ થતા નથી. પારદર્શક હોવાનો દાવો પણ પોકળ છે કારણ કે બજેટના ખર્ચની વિગતો ગુપ્ત રખાય છે. રાજ્યકક્ષાના કેન્દ્રીય પર્સોનેલ મંત્રી જિતેન્દ્ર સિંઘે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યો વહીવટમાં સુધાર માટે પરિણામલક્ષી અભિગમ અપનાવીને યોગ્ય નીતિ અપનાવે તથા તમામ રાજ્યોની વહીવટી દૃષ્ટિએ તુલના કરી શકાય એ આ ઇન્ડેક્સનો હેતુ છે.