ગુજરાતની દીકરીઓને મળશે 'કવચ', શું છે આ નવતર પ્રયોગ

ગુજરાતની દીકરીઓને મળશે 'કવચ', શું છે આ નવતર પ્રયોગ

Mysamachar.in-ગાંધીનગરઃ

રાજ્યમાં વધતા જતા મહિલા વિરુદ્ધ ગુના અટકાવવા માટે વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, ગુજરાત મહિલા આયોગ દ્વારા કવચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં દીકરીઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવશે, જેમાં સુરક્ષિત સ્પર્શ અને અસુરક્ષિત સ્પર્શ વિશે સમજણ આપીને આકસ્મીક સમયે રક્ષણના પગલાઓમાંથી માહિતગાર કરવામાં આવશે.

ગાંધીનગરમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા, મહિલા આયોગના સભ્ય સચિવ તથા વડોદરાની નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળાની સેલ્ફ ડિફેન્સ ટીમ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં લીલાબેને જણાવ્યું કે રાજ્યની તમામ શાળાઓમાં દીકરીઓને કવચ કાર્યક્રમ અંતર્ગત આત્મરક્ષણની તાલીમ અપાશે. આજના સમયમાં દીકરીઓએ આત્મરક્ષણની યુક્તિઓ શીખવી આવશ્યક છે. રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં અનેક પગલાંઓ લઇને મહિલાઓનાં સામર્થ્યમાં અપ્રતિમ વધારો કર્યો છે.

જુદી જુદી સંભવિત અસુરક્ષિત પરિસ્થિતિઓ વિશે જાગૃતતા વધે અને દીકરીઓ પર અચાનક થતાં શારીરિક હુમલા સમયે કેવી રીતે સામાન્ય જાગૃતતાથી સામનો કરવો એ વિશેની આત્મરક્ષણની યુક્તિઓ શીખવવા ‘કવચ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે જણાવ્યુ હતું કે ગુજરાત મહિલા આયોગ અને ગુજરાત પોલિસના સહયોગથી શાળાઓમાં દીકરીઓને વધુ સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી ‘ગુડ ટચ-બેડ ટચ’ની સમજણ અપાશે. વડોદરાના ડી.સી.પી. સરોજકુમારીએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાંથી શાળાઓ દીઠ બે શિક્ષકોને પસંદ કરી વિશેષ તાલીમ અપાશે જે ‘કવચ’ની ટીમના માર્ગદર્શન હેઠળ શાળાની દીકરીઓને આત્મરક્ષણની તાલીમ આપશે.