Mysamachar.in-જામનગરઃ
દરેડ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન દ્વારા ગટરના પાણીના નિકાલ માટેના વાર્ષિક મરામત અને જાળવણી કામના બીલમાં મોટા પાયે નાણાંની ઉચાપત થયાની એક અરજીથી ખળભળાટ મચી છે. સમગ્ર બાબતે કંઇક ખોટું થયાની શંકા જતા દરેડ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશનને પેટા કોન્ટ્રાક્ટર દ્વારા પત્ર લખી GIDCના ડેપ્યુટી ઇજનેર સહિતના લાગતા વળતાઓને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વહિવટી સરળતા માટે બીલ તમારા નામનું મૂકવાનું છે. આવું કરવામાં તમને ક્યાંય વાંધો નહીં આવે તેવું પણ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન તરફથી જણાવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર બાબતે કંઇક ખોટું થયું હોવાનું લાગી રહ્યું છે.
પેટા કોન્ટ્રાક્ટર મુકેશ વિરાણીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે જામનગરમાં દરેડમાં GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન દ્વારા વસાહતમાં નાના-મોટા કામ અમારી પાસે કરાવવામાં આવે છે. આ સિવાય સાફ સફાઇનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપવામાં આવેલ છે તે એજન્સીમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે અમે કામકાજ સંભાળીએ છીએ. ત્યારે બે-ત્રણ મહિના પહેલા અમોને GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશનના હોદ્દેદારો તરફથી ઓફિસે મળવા બોલાવવામાં આવ્યા હતા. જ્યાં જણાવવામાં આવ્યું કે સફાઇનું કામકાજ કોઇ અન્ય વ્યક્તિને સોંપવામાં આવેલ છે, પરંતુ તેનું બીલ કોઇ કારણસર મંજુર થયું નથી અને પરત આવ્યું છે. જેથી આ બે બીલ સરકારી વહિવટી સરળતા માટે તમારા નામે મૂકવાનું છે. આવું કરવાથી તમોને કોઇ વાંધો નહીં આવે. બીલની રકમ તમારા ખાતામાં આવી જાય પછી ચેકથી રકમ પાછી લઇ લેશે અને જેણે કામ કર્યું છે તેને ચૂકવી દેવામાં આવશે. આવી રીતે મારા નામનું લેટરપેડ ઓફિસમાં બનાવી જુદા જુદા બીલો તૈયાર કરી મારી સહી લેવામાં આવી. એટલું જ નહીં કોઇ રકમની ચૂકવણી મને કર્યા વગર એડવાન્સ ચુકવણીની પહોંચ પણ હોદ્દેદારો તરફથી ઓફિસમાં બનાવી તેમા મારી રેવન્યુ સ્ટેમ્પ પર એડવાન્સ રીસીપ્ટોમાં સહીઓ લીધી હતી.
રજૂઆતમાં વધુમાં જણાવાયું કે મારા નામે બીલના રૂપિયા 1,49,364ના બે અલગ અલગ ચેક આપ્યા, જે મારા ખાતામાં ક્લિયર પણ થઇ ગયા. ત્યારબાદ તાત્કાલિક પાછા આપવાનું જણાવ્યું, સાથે જ તેઓએ જણાવ્યું કે આ પૈસા પહેલા તું તારા પરિવારના કોઇ સભ્યના બેંક ખાતામાં જમા કરાવી દે અને એ સભ્ય દ્વારા ઓસોશિએશનને ચેકથી પેમેન્ટ કરવું. આથી મે પહેલા મારા ખાતામાંથી મારી પત્નીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા અને પછી મારી પત્નીના એકાઉન્ટમાંથી એસોશિએશનને ચેકથી પૈસા પાછા આપ્યા. આમ કંઇક ખોટું થયાની શંકા જતા પેટા કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે ઓસોશિએશન દ્વારા સંદર્ભીત બંને બીલ સાથે મારો કે મારા પરિવારને કોઇ લેવા દેવા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે કોઇ વ્યક્તિને મદદરૂપ થવાનું છે આથી અમોએ આવું કર્યું હતું.
પેટા કોન્ટ્રક્ટરનું કહેવું છે કે જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન વસાહત ફેઝ-3માં પ્લોટ નંબર 3238થી 3689 સુધી ગટરના પાણીના નિકાલ માટેના વાર્ષિક મરામત અને જાળવણીના કોઇ કામ કર્યા નથી. હજુ પણ મારા નામે આવી રીતે બે બીલ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન તરફથી મૂકવામાં આવ્યા છે. આ બીલમાં જણાવ્યા મુજબની કોઇ કામગીરી કરી નથી.
શું કહે છે પૂર્વ પ્રમુખ દિનેશ ચાંગાણી ?
તો આ બાબતે દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ ચાંગાણીનું કહેવું છે કે પ્રાથમિક રીતે મારી પાસે જે રજૂઆત આવી છે તેમાં બોગલ બીલિંગ થયાનું જણાઇ આવે છે. ત્યારે આ મામલે જીઆઇડીસીના અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ કરી અને ઉદ્યોગકારોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઇએ તેવું મારું માનવું છે.
વ્યસ્તતાને કારણે પ્રમુખે હાલ ન આપી પ્રતિક્રિયા
બીજી બાજુ આ મામલે ડેપ્યુટી ઇજનેર તથા દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશનના પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ બંને વ્યસ્ત હોવાને કારણે વાત થઇ શકી નથી. ત્યારે સમગ્ર બીલ કૌભાંડમાં ક્યારે અને શું પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું.