તો હવે ભ્રષ્ટાચારની ફરિયાદ કોને કરવી ?

તો હવે ભ્રષ્ટાચારની ફરિયાદ કોને કરવી ?

Mysamachar.in-જૂનાગઢઃ

ભ્રષ્ટાચાર નાબુદી માટે અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા, તો કેટલાક નેતાઓ ચૂંટણી સમયે ભ્રષ્ટાચાર હટાવવાનો વાયદો કરી મંત્રી પણ બની ગયા છે, હાલના મુખ્યમંત્રી પણ અનેક વખત ભ્રષ્ટાચારના અનેક  દાખલાઓ આપતા રહે છે, છતા ભ્રષ્ટાચાર ઓછો તો થતો જ નથી, અને થશે પણ નહીં, કારણ કે ખુદ ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ જ ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોની જૂનાગઢ શાખાના PI ડી.ડી.ચાવડા સામે રૂપિયા 18 લાખની લાંચ લેવાના ગંભીર આરોપ લાગ્યા બાદ નવાઇની વાત તો એ છે કે આ પીઆઇને ખુદ ACBએ છટકું ગોઠવી ઝડપી લીધા.

જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે જૂનાગઢમાં એક ગૌશાળામાં ચાલતી ગેરરીતિ બાબતે જાગૃત નાગરિકે ACBને માહિતી આપી હતી. આ મામલાની તપાસ જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી.ચાવડાને સોંપાઈ હતી. પરંતુ લાંચિયા પીઆઇએ જવાબદારોને બચાવીને નીલ રિપોર્ટ આપવા માટે રૂપિયા 20 લાખની લાંચની માંગણી કરી હતી, આ વાતની જાણ એસીબીના વડા કેશવકુમારને થતા તેઓએ અત્યંત ગુપ્તરાહે આ મામલે કાર્યવાહી શરૂ કરાવી, જેમાં તેઓએ સ્પેશિયલ ટીમને લાંચિયા પીઆઇને રંગેહાથ ઝડપી લેવા જણાવ્યું હતું. બાદમાં સ્પેશિયલ ટીમે છટકું ગોઠવી PI ચાવડાને 18 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. બીજી બાજુ સ્થાનિકોમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે આરોપી PIની રાજકોટ બદલી પણ થઇ હતી, પરંતુ ફરી તેઓ જૂનાગઢ બદલી કરાવી આવી ગયા અને છેલ્લા અઢી વર્ષથી તેઓ અહીં ફરજ બજાવે છે,  

આ તો P.I. જ પકડાયા, હજુ પણ...

ACB દ્વારા જ ACBના P.I.ની ધરપકડથી રાજ્યભરમાં ભારે ચર્ચા જાગી છે, અને કેમ ન ચર્ચા જાગે, જેને ભ્રષ્ટાચાર નાબૂદીની કામગીરી સોંપાઇ છે તેઓ જ ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે. મલાઇદાર સરકારી કચેરીઓમાં ACBના અધિકારીઓ દ્વારા લાભ ખાટવામાં જરાય કરકસર કરવામાં આવતી ન હોવાનું સૂત્રોનું કહેવું છે, જેમ કે પરિવારના પ્રવાસથી માંડીને નાની મોટી સેવાઓ માટે સરકારી કચેરીઓના અધિકારીઓ દ્વારા વાહનથી લઇને તમામ સગવડો પૂરી પાડવામાં આવે છે. તહેવારોમાં મીઠાઇ અને ગિફ્ટના બોક્સ તો વર્ષો જૂની પરંપરા બની ગઇ છે. આ તો હજુ PI પકડાયા છે, પરંતુ અન્ય કેટલાક અધિકારીઓ પણ લાભ લેતા રહેતા હોવાનું સુત્રો જણાવે છે.(જો કે બધા એક સરખા ના હોય ) એટલે કે અમુક કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાથી પણ નિભાવે છે.