કૃષિમંત્રી આર.સી.ફળદુ સામે કોણે કર્યા ચોંકાવનારા આક્ષેપ...

કૃષિમંત્રી આર.સી.ફળદુ સામે કોણે કર્યા ચોંકાવનારા આક્ષેપ...
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

આ વખતે ચોમાસાની ઋતુમાં મેઘરાજા મન મુકીને ગુજરાત પર વરસ્યા, એવા તો વરસ્યા કે રાજ્યનો વરસાદ ૧૪૦% ને પાર થઇ ગયો, એટલે કે સ્વાભાવિક વધારે વરસાદ પડ્યો એવામાં ઉપરથી હજુ બાકી રહી ગયું હોય તેમ વાવાઝોડાની આગાહી, વરસાદી ઝાપટાઓ, માવઠાઓએ ખેડૂતોના ઉભા થયેલા અને ઉભા થઇ રહેલા પાકોની પથારી ફેરવી નાખી ત્યારે રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિને જોતા સરકાર દ્વારા વીમા કંપનીઓને સર્વે કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે, પણ તેમાં પણ નિયમ મુજબ કાર્યવાહીના થઇ રહી હોવાનોં આક્ષેપ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા એ કર્યો છે., પાલ આંબલીયા આજે લાલપુર તાલુકાના મુરીલા ગામે પહોચ્યા હતા, જ્યાં તેવોએ ખેડૂતોને સાથે રાખીને વીમા કંપનીની સર્વેની કામગીરીને ખુલ્લી પાડી અને જામનગરના ધારાસભ્ય અને કૃષિમંત્રી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

આક્ષેપ કરતાં કિશાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ જણાવ્યું કે એક તરફ કૃષિમંત્રી આર સી ફળદુ કે જેઓ આ જ જિલ્લામા થી ચૂંટાઈને રાજ્યના મંત્રી છે તેઓએ જ મીડિયાને કહ્યું હતું કે વીમા કંપની જો નિયમોનો ભંગ કરે તો તેની સામે એક્શન લેવામાં આવશે. પરંતુ ખુદ કૃષિમંત્રીના જિલ્લામાં જ વીમા કંપનીઓ દ્વારા નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે. નિયમ મુજબ તાલુકા એકમની સમિતી બનાવી સરવે કરવાનો હોય છે, પરંતુ અહીં આ સમિતી જ નથી એટલું જ નહીં સરવે દરમિયાન બે ખેડૂત આગેવાન સાથે રાખવાના હોય પરંતુ તે આ વીમા કંપનીના માણસો સાથે નથી. સાથે જ વીમા કંપનીના જે માણસો સરવે કરવા આવે છે તેઓ કાયદેસરની લાયકાતવાળા હોવા જોઇએ જે નથી. કૃષિમંત્રીના પોતાના જ જિલ્લામાં આવું છે તો અન્ય જિલ્લામાં કેવી સ્થિતિ હશે. કૃષિમંત્રી વીમા કંપનીને બચાવવા વારંવાર આવી જાય છે. આથી અમને એવી શંકા છે કે ક્યાંકને ક્યાંક વીમા કંપની સાથે કૃષિમંત્રીની સાંઠગાંઠ છે. વીમા કંપનીને ફાયદો થાય એવી વ્યવસ્થા કરાવી કૃષિમંત્રીએ પોતાનો ખિસ્સો વજનવાળો કરી લીધો હોવાનો શંકા પણ આંબલીયાએ વ્યક્ત કરી હતી.