નકલી પોલીસ બનીને સોની વેપારીઓને ખંખેરતા હતા...

નકલી પોલીસ બનીને સોની વેપારીઓને ખંખેરતા હતા...

Mysamachar.in-મોરબી:અતુલ જોશી:

છેલ્લા કેટલાક સમયથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં નકલી પોલીસ અસલી પોલીસને હાથ ઝડપાઈ જવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં સોની વેપારીઓને ધાકધમકી આપી અને તેની પાસેથી તોડ કરતી નકલી પોલીસને અસલી મોરબી એલસીબીએ ઝડપી અને સાચી પોલીસ શું કહેવાય તેનું ભાન કરાવ્યું છે. મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસના ખોટા નામ-હોદ્દા ધારણ કરી સોની મહાજનોને ફોન ઉપર જુનું સોના ખરીદી કરેલ હોય, જે ગુનામાં ફીટ કરી દેવાની ધાક-ધમકી આપી પૈસા પડાવતાં બે ઈસમોને પકડી પાડવામાં સફળતા મળી છે, મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યુ હતું કે મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા ટેકનિકલ માધ્યમથી આરોપી કિશન પ્રભુભાઈ દેશાણી અને પરવેજ ઉર્ફે એસાન ઉર્ફે ભોલો અનવરભાઈ કાજીને છેતરપીંડીના ગુનામાં પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ બે મોબાઈલ ફોન પણ મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવ્યા છે, 

પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સોની આકરી ઢબેપૂછપરછ કરવામાં આવતા આરોપી કિશન અગાઉ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી હતી આ બનાવના આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ગુગલ સર્ચ કરી અલગ-અલગ સોની કામ કરતા સોની મહાજનોના નામ, મોબાઈલ નંબર અને દુકાનનું નામ-સરનામું મેળવી સોની મહાજનોને પોલીસના નામથી ફોન કરી અન્ય મોબાઈલમાં પોલીસ વાયરલેસ સેટ નામની એપ્લિકેશન ચાલુ કરી ડરાવી-ધમકાવી જૂનું સોનુ ખરીદેલ હોય, જે ગુનામાં ફિટ નહિ કરવાના બહાને રૂપિયાની માંગણી કરી બળજબરીથી પૈસા પડાવવાના ગુનો આચર્યાની કબુલાત પણ આપી છે, આ કાર્યવાહી મોરબી એલ.સી.બી. પીઆઈ વી. બી. જાડેજા અને સ્ટાફના રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.