ગેરકાયદેસર બાંધકામ તોડવામાં ટીપીઓ અને એસ્ટેટનું ચલક ચલાણું...

ગેરકાયદેસર બાંધકામ તોડવામાં ટીપીઓ અને એસ્ટેટનું ચલક ચલાણું...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગનું જાણે કોઇ અસ્તિત્વ જ ન હોય તે રીતે ગેરકાયદેસર બાંધકામોનો રીતસરનો રાફડો ફાટ્યો છે,નાણાંના જોરે લોકો ટાઉન પ્લાનીંગ નિયમોનો ઉલાળ્યો કરી અંદરના વિસ્તારો તો ઠીક મુખ્ય માર્ગો ઉપર પણ બેખૌફ બનીને મન પડે તેવાં આડેધડ બાંધકામ ખડકી રહ્યા છે,તો બીજી તરફ માત્ર કામગીરી દેખાડવા માટે ટાઉન પ્લાનીંગ વિભાગ B.P.M.C એકટની જોગવાઇ અનુસાર ૨૬૦-૧અને ૨ ની નોટીસ આપી સંતોષ માની રહ્યું છે.

શહેરમાં ગેરકાયદે બાંધકામનો રીતસર બિઝનેસ શરૂ થયો છે,આ ગોરખધંધામાં મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનીંગ વિભાગ,એસ્ટેટ વિભાગ તો જવાબદાર છે જ સાથે-સાથે વગદાર રાજકીય લોબી પણ એટલી જ જવાબદાર છે.જુદા-જુદા વિસ્તારમાં G.D.C.R.ના નિતી-નિયમો નેવે મુકી શકય ન હોય તેવાં બાંધકામો કરવામાં આવે છે,અને બાદમાં જે-તે વિસ્તારના જાગૃત નાગરિકો ફરિયાદ કરે તો B.P.M.C એકટની કલમ ૨૬૦-૧ મુજબ આવા ગેરકાયદેસર બાંધકામને નોટીસ ફટકારી કામગીરી કરી હોવાનું નાટક કરવામાં આવે છે. 

આશ્ચર્ય તો એ વાતનું છે કે, જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૧૮ દરમ્યાન શહેરના ચાંદિબજાર,ખોજાનાકા,ઉમીયાનગર,લીમડા લાઇન,કાલાવડ નાકા બહાર,લાલપુર રોડ,મારૂ કંસારા વાડીની આસપાસનો વિસ્તાર,દરબારગઢ રોડ,સંગમ બાગ વિસ્તાર,ભોયવાડો,ઘાંચીની ખડકી,માંડવી ટાવર,નાગનાથ ગેઇટ,ખારવા ચકલો,જુની શત્રુશલ્ય ટોકીઝ પાસે,સુભાષ માર્કેટ પાસે,પંચેશ્ર્વર ટાવર પાસે,લંઘાવાડનો ઢાળીયો,લીંડી બજાર,કૈલાશનગર,સુમેર કલબ રોડ,નવી મચ્છીપીઠ, ખોડિયાર કોલોની,એમ્યુઝમેન્ટ પાર્કની બાજુ વાળો વિસ્તાર સહિત કુલ મળીને ૧૪૪ આસામીઓને ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ નોટીસ ફટકારવામાં આવી છે,

 
વધુમાં આ ૧૪૪ આસામીઓ પૈકી ૬૨ આસામીઓ તો એવા છે,જેઓ ટાઉન પ્લાનીંગ વિભાગની B.P.M.C.એકટની  કલમ ૨૬૦-૨ ને ઘોળીને પી ગયા છે.બીજી તરફ મહાનગરપાલિકાના ટાઉન વિભાગ દ્વારા ફકત અને ફકત નોટીસ આપી કામગીરી કર્યાનો જણાવાઇ રહ્યું છે,અને આ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી એસ્ટેટ વિભાગનું કહી જવાબદારી ખંખેરવામાં આવી રહી છે,હકિકતમાં નીતિ નિયમ વિરૂદ્ધના બાંધકામો તોડી પાડવામાં ટાઉન પ્લાનીંગ વિભાગની મહત્વની જવાબદારી છે,છેલ્લા ત્રણ વર્ષથી T.P.O દ્વારા જામનગર શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાને બદલે ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે. 


દબાણ તોડવા એસ્ટેટને લીસ્ટ આપ્યું છે
જામનગર શહેરમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ દરમ્યાન કુલ ૧૪૪ આસામીઓને 
B.P.M.C એકટની કલમ ૨૬૦-૧ મુજબ નોટીસ ફટકારવામાં આવી છે,જે પૈકી ૬૨ આસામીઓ દ્વારા જામનગર મહાપાલિકાની ૨૬૦-૧ની નોટીસ મળવા છતાં ગેરકાયદેસર બાંધકામ યથાવત ચાલુ રાખતાં આ બાંધકામ દુર કરવા ૨૬૦-૨ની નોટીસ ફટકારવામાં આવી હોવાનું અને આવા દબાણો દુર કરવા એસ્ટેટ વિભાગને લીસ્ટ સુપરત કર્યું છે.,તેમ  એ T.P.O એ જણાવ્યુ છે
 

ટાઉન પ્લાનીંગ વિભાગ સાથે રહે તો દબાણ તુટે 
જામનગર મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાને બદલે આવા દબાણો પ્રત્યે આંખ મિચામણા કરવામાં આવતા હોવાની વાત જગજાહેર છે,ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગે સત્તાવાર રીતે દબાણ કરતાં હોવાનું લીસ્ટ એસ્ટેટ વિભાગને સોંપ્યું છે,પરંતુ એસ્ટેટ વિભાગ કહે છે હમણા તો લાંબો સમય અમે ચૂંટણી ફરજમાં હતા અને જો ટાઉન પ્લાનીંગ વિભાગ અમારી સાથે રહે અને કહે કે, અહિંથી બાંધકામ દૂર કરો એટલે દબાણો દૂર થાય તેમ  એસ્ટેટ વિભાગ કહે છે.