યુવકે ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હંગામો

યુવકે ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હંગામો

Mysamachar.in-જૂનાગઢઃ

સોશિયલ મીડિયા પર ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ સ્ટેશનમાં દંગલ કરતા એક શખ્સનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જૂનાગઢના વંથલીનો છે, અહીં એક યુવક રાત્રીના સમયે હાથમાં છરી લઇને પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો હતો, યુવક દારૂના નશામાં ચૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો યુવક બેફામ ગાળો બોલી રહ્યો છે. અને અંદાજે બે કલાક સુધી પોલીસ સ્ટેશનમાં આતંક મચાવ્યો હતો. છેક પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને આ રીતે આતંક મચાવતા પોલીસની આબરુના લીરે લીરા ઉડી રહ્યાં છે, તો શહેરમાં કાયદાની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક યુવક અર્ધનગ્ન હાલતમાં પોલસ સ્ટેશનમાં પ્રવેશ્યો છે, તેના હાથમાં છરી છે, તો તે લથડિયા ખાઇ રહ્યો છે. 30 વર્ષની આસપાસની ઉંમરનો દેખાતો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં હાથમાં છરી અને દારૂના નશામાં અંદાજે બે કલાક સુધી દંગલ મચાવે છે. યુવક પોતાના શરીર પર છરી વડે ઇજા પહોંચાડે છે તો પોલીસ સ્ટેશનમાં કેટલીક તોડફોડ પણ કરે છે. જો કે વીડિયોમાં એ પણ દેખાઇ રહ્યું છે કે બે કલાક સુધી મચાવેલા દંગલ દરમિયાન એકપણ પોલીસકર્મી યુવકની ધરપકડ કરવા કે તેને રોકવાનો પ્રયાસ નથી કરી રહ્યો. એવું લાગી રહ્યું હતું કે જાણે પોલીસ સ્ટેશનમાં હાજર તમામ પોલીસકર્મી યુવકથી ડરી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનનો છે. જો કે આ વીડિયો ક્યારનો છે અને ક્યા કારણોસર યુવકે દંગલ મચાવ્યું તે હાલ બહાર આવ્યું નથી.