તાજીયા ગેંગનો સાગરીત ઝડપાતા હથિયાર સપ્લાયના નેટવર્કનો થયો ખુલાસો

તાજીયા ગેંગનો સાગરીત ઝડપાતા હથિયાર સપ્લાયના નેટવર્કનો થયો ખુલાસો

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ ગંભીર બનાવો ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વો ગુનેગારો પર નજર રાખી રહી છે તેવામાં લૂંટ,ધાડ, હથિયારો તેમજ દારૂના ગુનામાં સંડોવાયેલા તાજિયા ગેંગના સાગરીતને જામનગર પોલીસે હથિયારોના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે હથિયાર સપ્લાયના નેટવર્કનો મોટો ખુલાસો થયો છે,

ધ્રોલ તાલુકાના લૈયારા ગામનો અને રાજકોટ રહેતો તાજીયા ગેંગનો સાગરીત વસીમ ઉર્ફે છોટીયો સુમરા રાજકોટથી અલ્ટો કારમાં હથિયાર લઇને જામનગર તરફ આવી રહ્યો છે તેવી બાતમીના આધારે જામનગર એલસીબીની ટીમે વસીમ ઉર્ફે છોટીયાને ગુલાબનગર પાસેથી જ દબોચી લીધો હતો અને તેના કબજામાંથી બે પિસ્ટલ, બે તમંચા, ૨૧ નંગ જીવતા કાર્ટીસ અને કાર મળીને કુલ ૩.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,તાજિયા ગેંગના સાગરીત વસીમને આ હથિયારો રાધનપુરના તાજીયા ગેંગના જ સાગરિત એવા કનુ ભીલએ સપ્લાય કર્યો હોવાનો એલસીબીની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે ઝડપાયેલા તાજિયા ગેંગના સાગરીત વસીમ જોડીયાના પડાણા ગામે ઈંગ્લિશ દારૂનો જથ્થો સપ્લાય કરવામાં એક વર્ષ પહેલા નામ ખુલ્યું હોય નાસતો ફરતો હતો અને અગાઉ આંગડિયા લૂંટ, ધાડ,હથિયાર ધારા વગેરે ગુન્હામાં જામનગર રાજકોટ, મોરબી જિલ્લામાં સંડોવણી ખુલતા ઝડપાઇ ચૂક્યો છે, ત્યારે ફરી વાર હથિયારો સાથે ઝડપાતા LCBની ટીમે વધુ પૂછપરછ હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.