Mysamachar.in-ગાંધીનગરઃ
ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓને ડુબ્લિકેટ માર્કશીટની ઓનલાઇન અરજી કર્યા બાદ અઠવાડિયામાં ઘરબેઠા મળી જશે. વર્ષ 1952થી અત્યાર સુધીની ધોરણ 10 અને 12ની માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગરના ધક્કા ખાવા નહીં પડે.માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપનાથી લઈ અત્યાર સુધીની લગભગ પાંચ કરોડ માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ઘરે બેઠા ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે અરજદારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને તેના માટે નિયત કરેલી ફી ચૂકવવી પડશે. આ કાર્યવાહી થયા બાદ અરજદારને કુરિયર મારફતે ઘરે બેઠા એક અઠવાડીયામાં જ માર્કશીટ મળી જશે. નવી સિસ્ટમને કારણે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે.
રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી દર વર્ષે સરેરાશ 50 હજાર જેટલી ડુપ્લીકેટ માર્કશીટ ઈસ્યૂ કરવામાં આવતી હતી. પરંતુ ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે અરજદારે ગાંધીનગર ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસે ધક્કા ખાવા પડતા હતા. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિની પ્રક્રિયામાં સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો, પરંતુ ડિઝિટલાઇઝેશન થવાથી પ્રક્રિયા ઝડપી બનશે અને બોર્ડ અને વિદ્યાર્થીઓનો કિંમત સમય બચી જશે. માર્કશીટ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ગણાતું હોવાથી ખોવાઈ જાય અથવા તો ફાટી કે તૂટી જાય ત્યારે ઘણા લોકોને રાજ્યના દૂરના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવું પડે છે. કેટલાક લોકો તો ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયા હોય કે વિદેશ ચાલ્યા ગયા હોય તેમને પણ ક્યારેક આ કામ માટે ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે. લોકોને થતી હાલાકી નિવારવા માટે ગુજરાત બોર્ડ દ્વારા આ તમામ પ્રક્રિયાને ઓનલાઈન તેમજ સરળ કરી દેવા માટે કવાયત શરુ કરી દેવાઈ છે.