નર્મદાના જળથી બ્રાંચ કેનાલો, સુજલામ્ સુફલામ્ કેનાલ, સૌની યોજનાના જળાશયો ભરીને ખેતીવાડી-પીવાના પાણી માટે અપાશે

નર્મદાના જળથી બ્રાંચ કેનાલો, સુજલામ્ સુફલામ્ કેનાલ, સૌની યોજનાના જળાશયો ભરીને ખેતીવાડી-પીવાના પાણી માટે અપાશે

Mysamachar.in-નર્મદા:

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ-કેવડીયા પહોચીને ડેમના દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પરિણામે ડેમના જળાશયમાં વરસાદી પાણી આવ્યું છે તે હિલ્લોળા લેતા અગાધ જળરાશિને તેમણે પૂરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ અને ચુંદડીથી વધાવ્યા હતા. મુખ્યમંત્રીએ નર્મદા જળને વધાવતા કહ્યું કે, નર્મદા ડેમ ૧૩૧.પ મીટરે ભરીને ગુજરાતે પોતાનું ઇજનેરી કૌશલ્ય – ટેકનીકલ ક્ષમતા પૂરવાર કરી છે.

તેમણે આગામી ૧૦ થી ૧પ દિવસ હજુ સારા વરસાદની આગાહી છે, અને વાતાવરણ પણ સાનૂકુળ છે, ત્યારે નર્મદાના ડેમ પૂર્ણ સપાટી ૧૩૮ મીટરે પહોચશે અને સરદાર સાહેબે ૧૯૪૮માં સેવેલું સપનું સાકાર થશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાતની કેનાલ-બ્રાંચ કેનાલમાં, સુજલામ્ સુફલામ્ કેનાલોમાં, સૌની યોજનાના ડેમમાં આ પાણી છોડીને ખેડૂતોને સિંચાઇ માટે તથા લોકોને પીવા માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે. ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાથી દુષ્કાળની ચિંતા ટળી ગઇ છે. મા નર્મદાના જળ પણ હવે રાજ્યના ખૂણેખૂણા સુધી પહોચતા થશે તેમ પણ સીએમે ઉમેર્યું હતું.