રાજ્યની જે શાળાઓમાં બાંધકામ થઇ રહ્યા છે ત્યાં નબળું બાંધકામ ચાલશે નહીં:મંત્રી  

શિક્ષણ રાજયમંત્રીએ શાળાની મુલાકાતનોંધમાં લખ્યું કે....

રાજ્યની જે શાળાઓમાં બાંધકામ થઇ રહ્યા છે ત્યાં નબળું બાંધકામ ચાલશે નહીં:મંત્રી  

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજયમાં શિક્ષણ વિભાગ હસ્તક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નવા શિક્ષણ ભવનોના નિર્માણકાર્યો ચાલી રહ્યા છે, પરંતુ આ બાંધકામોની કવોલિટી તપાસનો વિષય બની છે. આ પ્રકારના એક નબળાં બાંધકામને તોડી પાડવાનો શિક્ષણમંત્રીએ આદેશ કરતાં સમગ્ર હાલારમાં ફફડાટ જોવા મળે છે.સવાલો એ થાય છે કે જે ગ્રામીણ ક્ષેત્રોમાં કામો ચાલતા હશે તે આવા જ હશે...?

સમગ્ર રાજયમાં હાલ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ઠેરઠેર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જયાં શિક્ષણ ભવનની સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં નવા શિક્ષણ ભવનના નિર્માણની પ્રક્રિયા રાજય સરકાર હસ્તક હાથ ધરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારિયામાં પણ સરકાર શિક્ષણ ભવનનું નિર્માણ કરી રહી છે, પરંતુ આ બાંધકામ તદ્દન નબળું હોવાનું ખુદ શિક્ષણ રાજયમંત્રીના ધ્યાન પર આવી જતાં તેઓએ રૂબરૂ ચકાસણી દરમિયાન કોન્ટ્રાક્ટરને આકરાં શબ્દોમાં ઠપકો આપી, ભંડારિયાનું આ સંપૂર્ણ બાંધકામ તોડી પાડી તે જ જગ્યાએ, એ જ કોન્ટ્રાક્ટર દ્વારા નવેસરથી ટનાટન બાંધકામ કરી આપવા આદેશ કરતાં દ્વારકા સહિત સમગ્ર હાલારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.  

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ભંડારિયામાં રૂ. 2.25 કરોડના ખર્ચથી શિક્ષણ ભવન બની રહ્યું છે. આ કામમાં લોટ,પાણી અને લાકડાં જોવા મળ્યા છે. શિક્ષણ વિભાગના રાજયમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ 3 ઓક્ટોબરે ભંડારિયામાં શાળાની મુલાકાત લીધી હતી. આ તકે શાળાના આચાર્ય મેરુભાઈ નંદાણિયા સાથે રહ્યા હતાં. ત્યારબાદ નિર્માણાધીન શિક્ષણ ભવનની પણ મંત્રીએ મુલાકાત લીધી હતી. આ તકે કોન્ટ્રાક્ટર પણ સ્થળ પર હાજર હતાં. મંત્રીએ સમગ્ર બાંધકામને બારીકાઈથી નિહાળી સાથે રહેલાં કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો.  

આ મુલાકાત દરમિયાન શાળાની નોંધબુકમાં શિક્ષણ રાજયમંત્રીએ લખ્યું હતું કે, ખંભાળિયા તાલુકાના ભંડારિયાની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. અહીં નવી શાળાનું બાંધકામ કરવા માટે રૂપિયા 2.55 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તદ્દન હલકી કક્ષાના બાંધકામને સંપૂર્ણપણે દૂર કરી ત્યાં નવું બાંધકામ કરવા સૂચના આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કામ પૈકી શાળાના બે વર્ગખંડનું કામ પણ રૂપિયા 27.56 લાખના ખર્ચે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

આ નોંધમાં મંત્રીએ આગળ લખ્યું છે કે, શાળા પરિવાર તથા ગ્રામજનો ખૂબ સારાં છે. બાંધકામ અંગે નોંધમાં લખ્યું કે, આવી નબળી વૃતિવાળા લોકોને હંમેશા પાઠ શિખવાડવો પડે તેમ છે. આશા રાખું છું કે, ગુજરાતમાં 6,000 જેટલાં સ્થળોએ શાળાના નવા ભવન બની રહ્યા છે. જે કામો સારાં નહીં થાય તો તમામ બાંધકામ તોડી પાડવામાં આવશે.  

ભંડારિયાની આ ચકચારી ઘટનાને કારણે એ મુદ્દો સપાટી પર આવ્યો છે કે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ ક્ષેત્રમાં સંપૂર્ણ લાલિયાવાડી ચાલે છે. કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે અને ભંગાર બાંધકામો કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડે છે  !! ધારો કે શિક્ષણ રાજયમંત્રીએ આ કામની મુલાકાત લીધી ન હોત તો, આ ગોબાચારી કેવી રીતે બહાર આવી હોત  ?! સ્થાનિક સ્તરે, આ પ્રકારના બાંધકામ પર કોઈએ સુપરવિઝન કરવાનું હોતું નથી  ?! આખા રાજયમાં મંત્રીએ એક એક કામની કવોલિટી તપાસવા જવાનું  ?! સ્થાનિક જવાબદારોની સામે પણ આકરાં અને દાખલારુપ પગલાંઓ લેવા જોઈએ એવો લોકમત જોવા મળે છે.